આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત મહત્તમ નોંધાઈ રહ્યો છે અને ગરમીનો પારો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે જેની સીધી અસર સમગ્ર જનજીવન પર વર્તાઈ રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં ઉનાળાના દિવસોમાં ભારે તાપથી અનેક લોકોની તબિયત વ્યાપક પણે બગડી રહ્યાનું સામે આવી રહ્યું છે. છેલ્લા દોઢ માસ દરમિયાન વિવિધ બીમારી અંગે 108ને કુલ 1150 જેટલા ઇમરજન્સી કોલ મળી ચુક્યા છે. જેમાં એપ્રિલ માસમાં 726 અને ચાલુ માસમાં 324 જેટલા કેસ 108 દ્વારા સ્વીકારવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છ 108ના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારીએ મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ પડી રહેલી ગરમીની અસર લોકો પર પડી રહી હોય તેમ 108ને મળતા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ માસ દરમિયાન, ચક્કર આવવા, ઝાડ ઉલટી અને શ્વાસ રૂંધાવા સહિતની બીમારી ધરાવતા તાકીદના કુલ 1150 જેટલાં કોલ મળ્યા છે. દર્દીઓને નજીકના દવાખાને અને વધુ સારવાર માટે મુખ્ય કેન્દ્ર ધરાવતા દવાખાને પહોંચડવામાં આવે છે. ત્યારે લોકોને દિવસના મધ્યાહન સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. અતિ જરૂરી હોય તો જ ઘર કે કામના સ્થળેથી બહાર નીકળવું અને ખુબ જ પ્રમાણમાં પાણી કે પ્રવાહી પીવાનું રાખવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.