"શિક્ષણ એ જ કલ્યાણ":મુંદ્રાની સી.કે.એમ કન્યા વિદ્યાલયના નવા ભવનનું વિધાનસભાના અધ્યક્ષાના હસ્તે ઉદ્ઘાટન, કહ્યું-શિક્ષણની સાથે સંસ્કાર મળશે તો સંસ્કૃતિનું જતન થશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેઠ આર.ડી.ઉ.મા. વિદ્યાભવનનો ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ યોજાયો
  • ડો. નીમાબેન આચાર્યે શેઠ આર.ડી એજ્યુકેશન ટ્રસ્ટના પુસ્તકનું લોકાર્પણ પણ કર્યું

આજે સોમવારે મુંદ્રા ખાતે શેઠ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સી.કે.એમ કન્યા વિદ્યાલયના નૂતન ભવનના ઉદ્ઘાટન અને શેઠ આર.ડી.ઉ.મા. વિદ્યાભવનનો ભૂમિપૂજનનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, આ જે વિદ્યા ભવનનું નિર્માણ થયું છે એ ખૂબ જ પ્રસંશાને પાત્ર છે. અધ્યક્ષાએ જે દાતાઓ દ્વારા ટ્રસ્ટના નિર્માણ હેઠળ વિદ્યા ભવનના નિર્માણ માટે જે દાન આપ્યું છે તેમને વંદન કરી જણાવ્યું હતું કે, સૌથી મોટું દાન વિદ્યાદાન છે. આ તકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરતા કહ્યું કે, વર્તમાન સમયમાં જે રીતે મહિલાઓ આત્મનિર્ભર થઇ રહી છે તે આપણા વડાપ્રધાનના પ્રયાસોને લીધે શક્ય બન્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીએમે બેટી બચાવો બેટી પઢાવો દ્વારા મહિલાઓને અગ્રિમતા આપીને સામાજિક વિકાસમાં ભાગીદાર બનાવીને કન્યા કેળવણી માટે ખૂબ જ મોટું કાર્ય કર્યું છે. જો શિક્ષણની સાથે સંસ્કાર મળશે તો જ સંસ્કૃતિનું જતન થશે. આ પ્રસંગે તેમણે દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીને કહ્યું હતું કે, તેઓએ સરકાર અને સહકારના સંકલનનો પુરેપુરો ઉપયોગ કરીને કન્યા કેળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે દાતાઓનું સન્માન ડો. નીમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે શેઠ આર.ડી એજ્યુકેશન ટ્રસ્ટના પુસ્તકનું લોકાર્પણ કર્યું અને તેજસ્વી છાત્રોને પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. શાળાના મુખ્યદાતા કુંવરજીભાઈ નાનજીભાઈ કેનયાના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં માંડવી મુંદ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, મુંદ્રા નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર અને ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, મુંદ્રા નગરપાલિકા કારોબારી ચેરમેન ડાયાલાલભાઈ આહિર, મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ચેતનભાઇ ચાવડા, મુંદ્રા તાલુકા ઉપપ્રમુખ રતનભાઈ ગઢવી, શેઠ આર.ડી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી દામજીભાઇ લાલજીભાઇ એન્કરવાલા, અગ્રણી શક્તિસિંહ જાડેજા, વિશ્રામભાઈ ગઢવી, જીગરભાઈ છેડા, મહેન્દ્રભાઈ છેડા, કેશુભાઈ મોસાળીયા, કચ્છ યુનિવર્સિટી ગુજરાતી વિભાગના અધ્યક્ષા દર્શનાબેન ધોળકીયા, અદાણી ગ્રુપના એકઝિક્યુટીવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહ, સી.કે.એમ.કન્યા વિદ્યાલયના આચાર્ય હિનાબેન જાની, શેઠ આર.ડી એજ્યુકેશન ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીગણો, શિક્ષણગણો તેમજ વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...