દિન-પ્રતિદિન બળાત્કારના વધતા બનાવો વચ્ચે નખત્રાણા તાલુકાના ઉખેડા ગામના વાડીવિસ્તારમાં નરાધમે 12 વર્ષની માસૂમબાળાને પિંખી નાખી હોવાના અહેવાલ સામે આવ્યા છે. નખત્રાણા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે આરોપી શખ્સ રાજ્ય બહારનો છે અને તે પોતાના ગામથી કૌટુંબિક ભાણીને ઉખેડા ગામે વાડીવિસ્તારમાં લઈ આવ્યો હતો.
દુષ્કર્મ બાદ સગીરાને મારી નાખવાની ધમકી આપી
વાડીકામમાં મદદગારી માટે કૌટુંબિક ભાણીને લાવી તેની એકલતાનો લાભ લઇ ખુદ મામાએ જ નજર બગાડી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેનાથી હેબતાઈ ગયેલી માસૂમને આ વાત કોઈને કહીશ તો મારી નાખવાની પણ ધમકી અપાઈ હતી. દરમ્યાન જાણવા મળતી વધુ માહિતી પ્રમાણે મામાના કૃત્યથી હેબતાઈ ગયેલી સગીરા ઘર મૂકીને ભાગી ગઈ હતી અને બસ સ્ટેશન પાસે હતી ત્યારે ગામવાળા ભેગા થઈ જતા અભયમને જાણ કરવામાં આવી હતી.
પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
જેથી ભુજથી આવેલી અભયમની ટુકડીએ બાળકીનું કાઉન્સેલિંગ કરતા તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી નખત્રાણા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. દરમિયાન છોકરીના માતા અવસાન પામ્યા હોવાનું અને પિતા વિદેશ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ચકચારી બનાવ અંગે નખત્રાણા પોલીસે આરોપી સામે પોકસો,બળાત્કાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તેની ધરપકડ પણ કરી લીધી છે. આગળની તપાસ ઈન્ચાર્જ પીઆઇ ગોજીયા સંભાળી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.