શિક્ષક દિન વિશેષ:કચ્છના આડેસર ગામ​​​​​​​માં ઝવેરી જેવા શિક્ષકોએ કાચા પથ્થરોની ખાણમાંથી રતન પેદા કર્યા

આડેસરએક મહિનો પહેલાલેખક: જયેશ ઠક્કર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કચ્છના પ્રવેશદ્વાર સમા ગામે સીએ, ડોક્ટર, ઇજનેર, વકીલ, પોલીસ આપ્યા

ઉત્તર ગુજરાત કચ્છમાં પ્રવેશ કરતાં જ આવતું આડેસર ગામ. 43 વર્ષ પહેલાં અહીં લાઇટના નામે પીળા બલ્બના ટમટમીયા બળતા હોય, પાણી તો માત્ર કુવા અને તળાવનું. પાકા રસ્તાનું તો વિચારવું જ રહ્યું. આવા ગામડા ગામમાં રાધનપુરના ભણસાલી ટ્રસ્ટે 1979માં ઉત્તર બુનિયાદી વિદ્યાલય સ્થાપી, તેના શિક્ષકો એવા હતા જાણે ગામના વિદ્યાર્થીઓ માટે જ જન્મ લીધો હોય.

ધ્યેય માત્ર પછાત વિસ્તારના છોકરા-છોકરીઓને ભણાવવાનું
પ્રથમ આચાર્ય મીનાબેન પરીખ, બીજા મણીભાઇ પટેલ, અંગ્રેજીના શિક્ષક અશોકભાઇ ઉપાધ્યાય, ગુજરાતીના ભરતભાઇ પટેલ, ગણીતના કિશોરભાઇ જોષી, સંસ્કૃતના તેજાભાઇ પટેલ, સામાજીક વિજ્ઞાનના દિનેશભાઇ પટેલથી માંડીને વર્તમાન કાર્યકારી રમેશભાઇ પરમાર અને અન્ય શિક્ષકોનું સ્મરણ કરતા ગ્રામજનો કહે છે કે આ ઉત્તમ શિક્ષકોએ જાણે પથ્થરની ખાણમાંથી હીરા કાઢવાના શરૂ કર્યા. તેમનો પગાર હતો ફક્ત માસિક રૂા. 300થી 1000 સુધી, પણ તેમનું ધ્યેય હતું માત્ર પછાત વિસ્તારના છોકરા-છોકરીઓને ભણાવવાનું.

વિદ્યાર્થીઓને પોતાના ઘરે બોલાવીને પ્રેમથી નિ:શુલ્ક ભણાવતા
ટ્યુશન શબ્દ તો કલ્પના બહારનો હતો, એટલે આ શિક્ષકો શાળાનો સમય પૂર્ણ થયા બાદ જરૂર જણાય તેવા વિદ્યાર્થીઓને પોતાના ઘરે બોલાવીને પ્રેમથી નિ:શુલ્ક ભણાવતા. માથેથી નાસ્તો-પાણી પણ કરાવે ! એટલે જ 30 વર્ષની તપસ્યા પછી 5000ની વસ્તીવાળા ગામડામાંથી સી.એ., ડોક્ટર, વકીલ, એન્જીનીયર, પોલીસ, શિક્ષકનો ખડકલો કરી દીધો. આમાં લોહાણા જૈન, આહિર, મુસ્લિમ, મેઘવાળ, બ્રાહ્મણ દરેક સમાજમાંથી આવેલા છાત્રો આજે ઉંચા હોદ્દાઓ પર છે. અંદાજે એકસોથી પણ વધુ આડેસરવાસી છોકરા-છોકરી જુદા-જુદા શહેરમાં વિવિધ વ્યવસાયમાં સેવા આપી રહ્યા છે.

કેળવણીકાર જ નહીં કારકિર્દીના પણ માર્ગદર્શક બન્યા
​​​​​​​ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધો. 8થી 10 સુધી જ અભ્યાસ થતો હોવાથી અા શિક્ષકો હોશિયાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના વાલીના કાયમી સંપર્કમાં રહી આગળ ભણવા માટે સલાહ-સૂચન કરતા અને વચ્ચે આવતી મુશ્કેલીઓનો હલ પણ બતાવતા. અરે, આજે પણ શિક્ષકો ગામલોકો સાથે સંપર્કમાં છે અને ફોનમાં પોતાના પૂર્વ છાત્ર-છાત્રાઓનો શું થયું, કેમ છે તેના ખબર અંતર પૂછતા રહે છે. નિવૃત્તિ પછી પણ તેમને તેમના વિદ્યાર્થીઓની એટલી જ પરવા છે.

શિક્ષકોના નિવૃત્તિ વિદાયમાન સમારંભો સ્વજનની વિદાય જેવા બની રહ્યા
આ વિદ્યાલયના શિક્ષકોનો વિદાયગાળો અલગ અલગ ભલે રહ્યો પણ દરેક વિદાયમાન સમારોહ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો માટે જાણે પોતાના સ્વજનને વિદાય આપતા હોય તેવી પીડાનો અનુભવ કરાવતો રહ્યો.

આડેસર ઇચ્છે છે એક કોલેજ
કચ્છના પ્રવેશદ્વાર સમા ગામમાં માત્ર દસ ધોરણ સુધીના અભ્યાસમાં જ આ ચમક છે તો અગર એક કોલેજ મળી જાય તો સોનામાં સુગંધ ભળે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે કિલોમીટરો સુધી ક્યાંય ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ના હોવાથી ગામમાં તાકીદે કોલેજ ખુલવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...