બેઠક:રાજ્યની યુનિ.ના વડાઓની બેઠકમાં કચ્છમાં સ્ટાફ ઘટ સહિતના મુદા ચર્ચાશે

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે શિક્ષણ વિભાગે બોલાવી છે મહત્વની બેઠક

કચ્છ યુનિવર્સિટીમાં સ્ટાફ ઘટનો મુદ્દો લાંબા સમયથી વણઉકેલાયેલો છે.ટીચિંગ સ્ટાફની ભરતી મુદ્દે હાલમા અરજીઓની છટણી ચાલી રહી છે પણ નોન ટીચિંગ સ્ટાફને કાયમી કરવાના લઈને છેલ્લા 15 વર્ષથી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે આવતીકાલે રાજયના તમામ કુલપતિઓની ગાંધીનગર ખાતે મીટીંગ યોજાવાની છે જેમાં ભરતી સહિતના મુદાઓ પર ચર્ચા થશે તેવી વિગતો સાંપડી છે.

આવતીકાલે ગુરુવારે બપોરે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગે ગુજરાતભરની સરકારી અને અર્ધ સરકારી યુનિવર્સિટીના કુલપતિઓને બોલાવી કાયમી મહેકમ મંજુરી બાબતે અગત્યની મિટીંગ રાખી છે.જેમાં નવા મહેકમની માંગણી સાથે નવી કોલેજ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર,નવી સુવિધાઓ તેમજ ખૂટતી કડીઓ અને વણઉકેલાયેલા મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.કચ્છની જો વાત કરીએ તો મોટાભાગની કોલેજોમાં સ્ટાફની ઘટ છે.પ્રિન્સિપાલ પણ ઈન્ચાર્જ હોય છે.

નોન ટીચિંગ સ્ટાફની ભરતી તો થઈ નથી પણ જે હાલ ફરજ બજાવી રહ્યા છે તેને કાયમી કરવાનો મુદ્દો પણ ગૂંચવાઈ ગયો છે.બજેટને મુદ્દે આ તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે આગામી બજેટમાં કચ્છ યુનિવર્સિટીને શુ ફાયદો થાય છે તેના પર સૌની નજર છે.ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કચ્છના ઉચ્ચ શિક્ષણ મુદ્દે રસ દાખવે તે સમયનો તકાજો છે.

અન્ય સમાચારો પણ છે...