કાર્ગો હેન્ડલીંગની દ્રષ્ટીએ દેશના પ્રથમ ક્રમાંકિત સરકારી બંદર કંડલના અનેક પ્રોજેક્ટ ગોકળ ગાયની ઝડપે આગળ વધી રહ્યા છે. જેના પગલે વર્ષો સુધી પ્રથમ ક્રમે રહેલા આ પોર્ટનું મોખરાનું સ્થાન હવે જોખમમાં મુકાયું છે.
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ મહિને એપ્રિલ માસમાં જ કાર્ગો હેન્ડલીંગની દ્રષ્ટીએ અોરિસ્સાના પારાદિપ પોર્ટે કંડલાને પછાડી પ્રથમ સ્થાન મેળવી લીધું છે ! એપ્રિલ 2022માં કંડલા ખાતે 11.73 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલીંગ થયુ છે. જ્યારે પારાદિપ પોર્ટે 12.19 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલીંગ કરી પ્રથમ માસમાં જ પ્રથમ નંબર મેળવી લીધું છે. જોકે આગળના મહિનાઓમાં કંડલા ફરી પોતાનું પ્રથમ સ્થાન મેળવી લેશે તેવી હાલ તો આશા છે.
ગત વર્ષે પણ એપ્રિલમાં પારાદિપ પોર્ટ કંડલાથી આગળ નિકળી ગયું હતું. જોકે ત્યારબાદ રેકોર્ડ બ્રેક કાર્ગો હેન્ડીંગ થતા વર્ષ પૂર્ણ થયા સુધી કંડલાએ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. ગત વર્ષની વાત કરવામાં આવે તો 2021-22માં કંડલા પોર્ટે ઓલ ટાઇમ હાઇ 127.10 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલીંગ કરી સરકારી બંદરો માટે નવો સીમાચિન્હ સાબિત કર્યું હતું. તેની સામે પારાદિપ પોર્ટે 116 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલીંગ કરી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
કંડલા પોર્ટમાં એપ્રિલ માસમાં કાર્ગોનું હેન્ડલિંગ
કાર્ગો | એપ્રિલ 2022 | એપ્રિલ 2021 |
ક્રુડ-ગેસ | 5. 96 | 4.59 |
અન્ય લિક્વિડ | 0.815 | 0.704 |
આયર્ન ઓર | 0.156 | - |
ખાતર | 0.139 | 0.235 |
કોલસો | 1.007 | 2.072 |
કન્ટેઇનર | 34 | 48 |
અન્ય કાર્ગો | 3.022 | 2.013 |
કંડલા આમ તો છેલ્લા પાંચેક વર્ષથી 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરે છે. દેશના સરકારી મહાબંદરોમાં 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરનાર પ્રથમ બંદર પણ કંડલા હતું. પરંતુ હાલના વર્ષોમાં કંડલાના અનેક પ્રોજેક્ટ અટકેલા છે. એક તો પીપીપી પ્રોજેક્ટના લીધે કંડલા અનેક વર્ષો પાછળ ધકેલાઇ ગયું છે. અનેક પીપીપી પ્રોજેક્ટ નિષ્ફળ ગયા છે. તેને લીધે ફરી આ પ્રોજેક્ટ પોર્ટે જાતે બનાવવાનો વધારો આવ્યો છે. જેમાં જેટી નં. 14 અને 16નો પણ સમાવેશ થાય છે.
દેશના મહાબંદરગાહો પર એપ્રિલમાં થયેલું કાર્ગો હેન્ડલિંગ (એમએમટી)
મહાબંદર | એપ્રિલ 2022 | એપ્રિલ 2021 | તફાવત |
કંડલા | 11.73 | 10.45 | 12.25 |
પારાદીપ | 12.19 | 11.2 | 8.82 |
કોલકત્તા | 4.26 | 3.69 | -17.6 |
વિશાખાપટ્ટનમ | 6.29 | 5.57 | 13 |
કામરાજર | 3.72 | 3.19 | 16 |
ચેન્નાઇ | 3.47 | 3.91 | -11.13 |
વી.ઓ. ચિદમ્બરનાર | 2.81 | 3.26 | -13.76 |
કોચીન | 2.81 | 2.59 | 8.61 |
ન્યૂ મેંગલોર | 3.55 | 3.1 | 14.58 |
માર્મગોવા | 1.85 | 2.36 | -21.47 |
મુંબઇ | 5.41 | 4.67 | 15.8 |
જેએનપીટી | 6.82 | 6.32 | 7.87 |
આ સમગ્ર પ્રક્રિયામાં વર્ષો નિકળી ગયા હતાં. કંડલાની જેટી નં. 11 અને 12માં પણ પીપીપ પ્રોજેક્ટ અંતર્ગત અગાઉનો પ્રોજેક્ટ ભયંકર નિષ્ફળ ગયો હતો. જેમાં પણ કંડલા પોર્ટને વ્યાપક નુકસાની પહોંચી હતી. હવે નવા પ્રોજેક્ટ હેઠળ આ જ જેટી પર કન્ટેઇનર સેવા શરૂ કરાઇ છે. આવ જ હાલ ઓઇલ જેટી પર છે. અહીં પણ નવી જેટીઓ બનાવવામાં વર્ષોના વર્ષો નિકળી ગયા છે. ખાસ તો પર્યાવરણની મંજૂર લેવામાં જ વર્ષો લાગી ગયા હતાં. આમ સમગ્ર રીતે જોતા પોર્ટે પોતાની ક્ષમતા વધારવામાં વર્ષો કાઢી રહ્યુું છે. આવી રીતે જ કામો થશે તો કંડલાનું પ્રથમ ક્રમ જોખમમાં મુકાઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.