વાતાવરણ પલટાયું:શિકારપુર, વાંઢિયા, જંગીમાં અસહ્ય ગરમી બાદ ઝાપટું પડ્યું

સામખિયાળી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં આજે અને કાલે હળવા-મધ્યમ વરસાદની સંભાવના
  • બપોર બાદ એકાએક વાતાવરણ પલટાયું

કચ્છમાં ભાદરવાના આરંભથી જ આકરો તાપ વર્તાઇ રહ્યો છે. વરસાદની પણ કોઇ આગાહી વ્યક્ત કરવામાં આવતી નથી તેની વચ્ચે ભચાઉ તાલુકાના કાંઠાળ ગામોમાં ભારે ઝાપટું વરસતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. બપોરે ભારે ગરમી બાદ સાંજે પાચ વાગ્યાની આસપાસ શિકારપુર, વાંઢિયા અને જંગીમાં હવામાન પલટાયું હતું. એકાએક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને ગાજવીજ તેમજ પવન સાથે ઝાપટું વરસ્યું હતું જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથે ગરમીમાં રાહત થઇ હતી. શિકારપુરમાં અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હોવાનું પૂર્વ સરપંચ બાબુભાઇ પટેલે જણાવ્યું હતું.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના પગલે કચ્છમાં આજે શુક્રવાર અને કાલે કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. ભાદરવાના આરંભથી જ પ્રખર તાપ વર્તાઇ રહ્યો છે તેની વચ્ચે જિલ્લામાં અમુક સ્થળે શુક્ર અને શનિવારે હળવો કે મધ્યમ વરસાદ વરસી શકે છે તેવો વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. દરમિયાન કંડલા બંદરે મહત્તમ પારો ફરી દોઢ આંક જેટલો ઉંચકાતાં ડીસા (38.6) બાદ બીજા ક્રમે ગરમ વિસ્તાર બન્યો હતો.

કંડલા એરપોર્ટ ખાતે પણ પારો એક આંક ઉંચે ચડીને 36.6 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ-અંજાર સહિતના વિસ્તારોમાં અકળાવતી ગરમી અનુભવાઇ હતી. જિલ્લા મથક ભુજમાં અધિકત્તમ ઉષ્ણતામાન 35.8 ડિગ્રી રહેવાની સાથે ભાદરવાની ગરમીનો મિજાજ જોવા મળ્યો હતો. નલિયામાં પારો ત્રણ આંક જેટલો ઉંચે ચડીને 35 ડિગ્રી થયો હતો પરિણામે શિયાળામાં શીત રહેતાં આ નગરમાં પણ આકરો તાપ અનુભવાયો હતો. ન્યૂનતમ તાપમાન ભુજમાં 25.1, નલિયા 24.8, કંડલા 27.1 જ્યારે કંડલા એરપોર્ટ પર 26 ડિગ્રી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...