મારામારી:રામનગરીમાં પ્રેમ સંબંધનું મનદુ:ખ રાખી યુવાન પર ત્રણ શખ્સનો ધારિયાથી હુમલો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં હતો, ને, આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી
  • રૂપિયા 40,550ના સોનાના દાગીના અને 27,500 રોકડા ઉઠાવી ગયા

ભુજના રામનગરી ચારણવાસમાં રહેતા યુવક પર પ્રેમ સબંધનું મનદુ:ખ રાખીને ત્રણ શખ્સોએ ધારિયાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઘરમાંથી અન્ય લોકો દોડી આવતાં આરોપીઓ નાસી ગયા હતા. ઘાયલ યુવક પરિવાર સાથે સારવાર માટે ગયો તે પાછળ હુમલા ખોરોએ ઘરમાં તોડફોડ કરીને રૂપિયા 22,100નું નૂકશાન કરીને રૂપિયા 40, 550ના સોનાના દાગીના અને રૂપિયા 27,500રોકડાની ચોરી કરી ગયા હતા.

બી ડિવિઝન પોલીસે રાત્રે જ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ કરી છે. રામનગરી ચારણવાસમાં રહેતા રિક્ષા ચાલક વિશાલ ભીમજી જોગીએ આરોપી નીતિન બાબુલાલ ચારણ, કિશન વેલજી ચારણ, દિનેશ દેવીપુજક નામના ત્રણ શખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ સોમવારે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ઘર પર પથ્થરો ફેંક્યો હતો. ફરિયાદી ઘરની બહાર નીકળતાં આરોપીઓએ આજે તને પતાવી દેવો છે તેમ કહીને ધારીયાથી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને હાથની કોણીમાં ઇજા પહોંચી હતી. રાડા રાડ કરી મુકતાં ઘરમાંથી ફરિયાદીની માતા-પત્ની અને બહેન બહાર દોડી આવતાં આરોપીઓ નાસી ગયા હતા.

ફરિયાદી સારવાર માટે હોસ્પિટલ ગયો હતો. ત્યારે આરોપીઓએ ફરિયાદીના ઘરમાં કબાટ, ગેસનો ચુલો સીમેન્ટના પતરા અને વાસણોમાં તોડફોડ કરી નૂકશાન પહોંચાડ્યું હતું. અને ઘરમાં કબાટમાંથી સોનાના બુટીયા, ચાંદીની પોંચી, સાંકડા, સોનાનું પેન્ડલ સહિતના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી ગયા હતા. બી ડિવિઝન પોલીસેને જાણ થતાં આરોપીઓ વિરૂધ ગુનો નોંધી પીએસઆઇ એમ.આર. મહેશ્વરીએ તપાસ તેજ કરીને ત્રણેય આરોપીઓને મંગળવારે રાત્રે ઝડપી લીધા હતા.

બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી કરાયો હતો હુમલો
તપાસનીશ જણાવ્યું હતું કે, ફરિયાદીના આરોપીની બહેન સાથે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. જેનું મનદુ:ખ રાખીને માર માર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. હાલ આરોપીઓએ ઘરમાંથી ચોરી કર્યાનો ઇન્કાર કરી રહ્યા છે. પરંતુ હજુ પુછતાછ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...