રાજ્યમાં 13 જૂનથી શરૂ થયેલા અભ્યાસક્રમમાં જિલ્લાની નખત્રાણા તાલુકાની પાનેલી પ્રાથમિક શાળા હજુ સુધી જોડાઈ શકી નથી. કારણકે શાળામાં 5 મહેકમના સ્થાને 3 શિક્ષિકા છે, પરંતુ મુખ્ય સેવિકા વહીવટી કામસર બહાર રહેતાં બે જ બહેનો હાલ શિક્ષકની ફરજ નિભાવી રહી છે. જે ગામના 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ કરતા 70 જેટલા બાળકોના ભણતર માટે અયોગ્ય હોવાથી પૂરતા શિક્ષકની માગ વાલી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે વાલીઓએ શાળા શરૂ થયાના બીજા દિવસથી બાળકોને સ્કૂલમાં મોકલ્યા નથી. ઉપરાંત આજે પ્રવેશોત્સવના દિવસે બાળકોના બદલે વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા અને શિક્ષક ઘટ દૂર કરવાની માંગ સાથે શાળાને તાળાબંધી કરી હતી.
સપ્તાહ સુધીમાં માંગ નહિ સંતોષાય તો સામુહિક સર્ટી કઢાવી લેવાશે
પાનેલી સરકારી શાળામાં શિક્ષક ઘટ અંગેની માગણી ગત સત્રથી કરવામાં આવી રહી છે. તેમાં હવે ત્રણ શિક્ષિકા બહેનોમાં એક બહેન વહીવટી કામસર કાયમ હાજર રહી નથી શકતા અને બીજા બહેનની બદલી મંજુર થઈ ગઈ છે. તેથી શિક્ષક વધારવાની જગ્યાએ વધુ ઘટ ઉભી થતા વાલીઓ રોષે ભરાઈને પોતાના બાળકોને યોગ્ય શિક્ષણની માગ સાથે શિક્ષક અપૂર્તિની માગ કરી રહ્યા છે. આ માટે તેમણે સામુહિક સર્ટી કઢાવી લેવાની ચીમકી પણ આપી હતી. જે હવે આવતા સપ્તાહે જો ઘટ નહિ પુરાય તો સામુહિક સર્ટી કઢાવી લેવાની વાત SMC અધ્યક્ષ પરાક્રમસિંહ વાઢેર , રાનુભા સોઢા, રતનશી બલિયા, રમેશ વેલાંની સહિતના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત તેમણે પોતાની નારાજગી શાળાને તાળાં બંધી કરીને દર્શાવી હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.