કચ્છ જિલ્લાના નખત્રાણા નગરના વિરાણી રોડ સ્થિત મુખ્ય બજારમાં એક કબૂતર વીજ થાંભલાની ટોચે ફસાઈ ગયું હતું. સ્થાનિકો તથા જીવદયા પ્રેમીઓ બજારમાં એકઠા થયા હતા અને ફસાયેલા કબૂતરને બચાવવા માટે વિજ કચેરીએ જાણ કરી હતી. વીજકર્મીઓ ઘટના સ્થળે પહોંચી થોડા સમય માટે વીજ પુરવઠો બંધ કરી કબૂતરનું રેસ્ક્યુ કર્યું હતું. સ્થાનિક લોકોની જાગૃકતા અને ફરજનિષ્ઠ વીજકર્મીઓની જહેમતથી કબૂતરનો જીવ બચી જતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.
થોડીવાર માટે વીજ પુરવઠો બંધ રખાયો
મળતી માહિતી મુજબ નખત્રાણા નગરના વિરાણી રોડ સ્થિત મુખ્ય બજારમાં થાંભલાની ટોચે કબૂતરના પગમાં પતંગની દોરી વીંટાઈ જતા તે ઉડી શકતો નહતો. આ દ્રશ્યો જોઈ સ્થાનિકો તથા જીવદયા પ્રેમીઓએ વીજ કચેરીએ જાણ કરી હતી. વીજકર્મીઓ રાજશ્રી કોપ્લેક્ષ પાસે પહોંચી થોડીવાર માટે વીજ પુરવઠો બંધ રાખી થાંભલા પર ચઢી કબૂતરનું રેસ્ક્યુ કર્યું હતું.
કબૂતરની સારવાર કરવામાં આવી
આ અંગે માહિતી આપતા લખન દેસાઈએ કહ્યું હતું કે, પતંગની વધેલી દોરી કબૂતરનાં પગમાં વીંટાઈ ગઈ હતી અને તેના કારણે કબૂતર ઉડી શકતું ના હતું. જોકે સ્થાનિક શિવ રાજદેનું ધ્યાન જતા અન્ય લોકો સાથે મળી વીજ કચેરીએ જાણ કરી હતી. જેના પગલે વીજ વિભાગના પ્રવિણસિંહ રાઠોડ તેમની ટીમ સાથે દોડી આવી કબૂતરને બચાવી લીધું હતું. ત્યારબાદ કબૂતરની સારવાર કરાવી આકાશમાં છોડી મૂકવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.