આદિપુર સાથે જોડાયેલો મેઘપર બોરીચીનો લીલાશાહ કુટિયાની પાછળનો મોટો વિસ્તાર બુનિયાદી સમસ્યાઓ સંબધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. સતત ઉભરાતી ગટરોને કારણે આરાધના નગર અને કાવેરી નગર, ભગીરથ નગર સહિત વિસ્તારમાં માખી - મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ છે, તો મોટાભાગના વિસ્તારમાં માર્ગ તૂટી ગયા છે . દર વખતે ચૂંટણી સમયે અહીંની સમસ્યાઓ ઉકેલવાના વાયદાઓ જ થયા છે, પરંતુ ચૂંટાયેલા પદાધિકારીઓ ચૂંટણી બાદ ગૂમ થઈ જતા હોવાને કારણે અહીંના રહેવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
લીલાશાહ કુટિયાની પાછળના મોટાભાગના વિસ્તારની સમસ્યા તાલુકાની હદ સંબધિત છે. અહીંના રહેવાસીઓ મોટાભાગે આદિપુર - ગાંધીધામ સાથે જોડાયેલા છે, પરંતુ અહીંનો સમાવેશ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામની હદમાં થાય છે. જેના કારણે બંને તાલુકા પંચાયતોના પદાધિકારીઓ અહીંના વિકાસ માટે જવાબદારીની ફેંકાફેક કરતા દેખાય છે. કેટલાક રહેવાસીઓના જણાંવ્યાનુસાર, કાવેરીનગર, આરાધનાનગર, તુલસીધામ, ધરા રેસીડેન્સી સહિતના વિસ્તારની ગટર સંબધિત સમસ્યાઓની રજુઆત સરપંચ, અંજાર તાલુકા પંચાયત ઉપરાંત, જિલ્લા -તાલુકા પંચાયતના અહીંના ચૂંટાયેલા પદાધીકારીઓ તથા ધારાસભ્યોને પણ થઈ ચૂકી છે.
પણ લોકોને વાસ્તવિક કામગીરીના બદલે ફક્ત વાયદાઓ જ મળ્યા છે અને સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. અહીંના મોટા ભાગના માર્ગો તૂટેલા છે, તો મંગલેશ્વર, જલારામ નગરમાં રોડલાઈટોના અભાવે મોટો વિસ્તાર અંધકારગ્રસ્ત રહેતા મોડી સાંજે કે રાતે લૂંટફાટનો ભય પણ ઊભો થઈ રહ્યો છે. તો, સફાઈ કામગીરી પણ નહિવત જ જોવા મળી રહી છે.
મોટાભાગની કોલોનીઓમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. અહીંની સમસ્યાઓ ઉકેલવામાં કોઈને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. અત્યારના સમયે પણ મોટાભાગના ચૂંટાયેલા પદાધિકારીઓ લોકોની સમસ્યા ઉકેલવાને બદલે માત્ર વાયદા જ કરતા હોવાને કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે ત્યારે હવે અહીંના રહેવાસીઓને પજવતી બુનિયાદી સમસ્યાઓના ઉકેલ માટે જવાબદારો આળસ હટાવે અને કંઈક વાસ્તવિક કામગીરી કરે તે અનિવાર્ય બની ગયું છે.
ગાંધીધામના લીલાશાહ કુટિયા પાસેનો મોટો વિસ્તાર દબાણગ્રસ્ત
માળખાકીય સુવિધાઓથી ઝઝૂમતા લીલાશાહ કુટિયા વિસ્તારમાં મોટો વિસ્તાર દબાણગ્રસ્ત હોવાની સમસ્યા પણ છે. ગ્રામ પંચાયતની મીઠી નજર હેઠળ સમગ્ર વિસ્તારમાં મોટા પાયે દબાણોની પ્રવૃતિ ફૂલીફાલી હોવાની ફરીયાદો છે. લીલાશાહ કુટિયા હોવાને કારણે અહી સિંધી સમાજની બહોળી અવરજવર છે ત્યારે ચોતરફ દબાણોને કારણે અહી માર્ગ સાંકડો થઈ ગયો છે. ત્યારે, ગ્રામ પંચાયતના ચુંટાયેલા હોદ્દેદારો ઊંઘ ઉડાડીને લોકોને સમસ્યાઓથી મુક્તિ અપાવે તે માંગ થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.