માંડવીના બીચને વિકસાવવાની સાથે વૈશ્વિક ફલક પર લઇ જવાની ગુલબાંગ પોકારાય છે તેવામાં છેલ્લા સવા મહિનાથી સમુદ્ર તટે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોતાં અહીં આવતા સહેલાણીઓ સાગરની સહેલગાહ માણ્યા વિના પરત ફરવા મજબૂર બને છે. કચ્છમાં હાલે રણોત્સવની સાથે પ્રવાસનની મોસમ હોતાં મોટી સંખ્યામાં લોકો બીચ પર આવે છે પણ તટ પર બેસીને માત્ર સાગરના ઉછળળતા મોજાની મોજ માણી શકે છે. રણોત્સવને માણવા આવતા મોટા ભાગના પ્રવાસીઓ માંડવીના બીચ પર આવે છે પણ અહીં આવ્યા બાદ સ્પીડ બોટ, વોટર બાઇક સહિતની રાઇડ બંધ હોવાની ખબર પડતી હોવાથી થોડી નિરાશા સાથે પરત ફરે છે.
વોટર સ્પોર્ટ્સના સાધનો માટે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સની એનઓસી લેવાની થાય છે પણ એકાદ વર્ષથી આવા પ્રમાણપત્ર કે લાયસન્સ વિના સમુદ્રમાં દોડાવાતી રાઇડ્સ સવા મહિનાથી બંધ કરાવી દેવાઇ છે. સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ચેતન મિસણની સુચનાથી પોલીસ દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાવાઇ હતી જેના પગલે 35 જેટલી સ્પીડ બોડના ધંધાર્થી બેકાર બની ગયા છે.
આગામી ટૂંક સમયમાં એક્ટિવિટી શરૂ કરાશે
સવા મહિનાથી બંધ પડેલી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્યારે ચાલુ કરાશે તેમ પૂછતાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટે જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગની નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નવી પોલીસી મુજબ જે એજન્સી પૂર્તતા કરશે તેમનું લાયસન્સ રિન્યૂ કરાશે. આગામી દસેક દિવસમાં આ અંગે બેઠક બોલાવીને આગળની કાર્યવાહી કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વાર્ષિક 24 લાખનો ઠેકો છતાં કચરાના ઢગ
બીચ તટ સાફ સૂથરો રહે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા વાર્ષિક 24 લાખ રૂપિયાના ખર્ચે સફાઇનો ઠેકો આપવામાં આવ્યો છે પણ યોગ્ય સફાઇ ન થતી હોવાથી કેટલીક સંસ્થાઓ દ્વારા અભિયાન છેડવામાં આવે છે. સફાઇના ઠેકેદારની પાલિકાના સત્તાધિશો સાથે સાઠગાંઠ હોતાં મસમોટી રકમ મળવા છતાં સ્વચ્છતાની દરકાર ન લેવાતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
બે વર્ષ પહેલાં સમિતિ રચાઇ, એકપણ બેઠક ન મળી
સમુદ્રમાં સાહસિક પ્રવૃત્તિને વેગ આપવા માટે તા. 1/12/20ના પાંચ સભ્યોની સમિતિનું ગઠન કરાયું હતું. મુન્દ્રાના એસડીએમના અધ્યક્ષસ્થાને ગઠિત સમિતિમાં માંડવીના મામલતદાર અને ચીફ ઓફિસર ઉપરાંત ગુજરાત મેરી ટાઇમ બોર્ડના ચીફ નોટિકલ ઓફિસર અને પ્રવાસન અધિકારીના સમાવેશ સાથેની આ સમિતિ રચાઇ ત્યાર બાદ એકપણ બેઠક બોલાવાઇ નથી.
બીચને જોડતો વોકવે ઝાડીઓથી ઘેરાયો
સુધરાઇ દ્વારા બીચને જોડતો વોકવે બનાવીને રસ્તો સાંકડો કરી નાખવામાં આવ્યો હતો. હાલે વોકવે બાવળની ઝાડીઓથી ઘેરાઇ જતાં તેના પર ચાલવું મુશ્કેલ બન્યું છે સરવાળે સુધરાઇનો હેતુ સરતો નથી. વહેલી તકે ઝાડીઓને દૂર કરીને સાચા અર્થમાં વોકવે બને તેવી માગ નગરજનો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.