માધાપરમાં જુનાવાસ ખાતે આઈયા નગરમાં રહેણાક વિસ્તારમાં પ્લોટમાં મોટા એક બોરડીના ઝાડમાં એક હજારથી વધુ ચકલીઓ વસવાટ કરતી હતી. આ પ્લોટમાં જમીન માલિક મકાન બનાવતા હોવાથી ઝાડ પ્લોટની બરાબર વચ્ચે આવતું હતું તેથી મકાન બનાવવામાં નડતરરૂપ હોવાથી બોરડીના ઝાડને કાપી નાખવાની ફરજ પડતા હજારો ચકલીઓ ઘરવિહોણી બની હતી.
કચ્છમાં વધતા કોંક્રિટના જંગલો વચ્ચે પર્યાવરણનો સોથ વળી ગયો છે અને રૂપકડું પક્ષી ચકલીની સંખ્યા દિવસા-દિવસ ઘટતી જાય છે ત્યારે મૈત્રીભાવ ગ્રુપ કુકમાના ટીમ સેવ સ્પેરો કેમ્પેઈનના ધ્યાનમાં આવતા આ ગ્રુપ અને ભુજના લેટસ સેવ એનિમલ ગ્રુપના યુવાન મિત્રોએ સાથે મળીને ચકલીઓને માળો બાંધવા ઘર અને ચણ મળી રહે તે હેતુથી આ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે જઈને 300 થી વધુ ચકલી ઘર અને પક્ષીઓના ચણ માટે પ્લેટ નિ:શુલ્ક વિતરણ કરીને લોકોને ઘરે લગાવવા માટે અપીલ કરી હતી અને ઘણા ઘરોમાં આ યુવાઓને પોતે લગાવી તાત્કાલિક ધોરણે ઉત્તમ પ્રયાસો હાથ ધર્યા હતા.
શાળા-કોલેજના યુવાનો ભણતા ભણતા સમય કાઢીને આ કાર્ય કરે છે. ચકલીને બચાવવા માટે વિદ્યાર્થીઓએ અનોખી પહેલ આદરી છે અને આ કાર્યમાં ભાવિક ચૌહાણ, જીગર વરું, પ્રીત ચૌહાણ, રાજન પરમાર, શિવમ પોમલ, આદિત્ય ચૌહાણ, સાકીબ લાડકા, જીગર ભાઈ, ઉર્મીબેન, વિવેકરાજ વગેરે સેવાના કાર્યમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.