લખપતમાં છેલ્લા એક માસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે ગામના મહિલા સરપંચ સુગરાબાઈ શરીફ હજામની આગેવાની હેઠળ લખપતની મહિલાઓ મહિલાઓ દ્વારા વડા મથક દયાપર ખાતેની મામલતદાર કચેરી અને પાણી પુરવઠા કચેરીમાં રૂબરૂ આવી પાણી આપોના સુત્રોચાર પોકાર્યા હતા અને પાણી સમસ્યા નિવારવા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. સવારથી બપોર સુધી લખપત ગામની મહિલાઓએ પાણી મુદ્દે સાથે લાવેલા ખાલી વાસણ વગાડી તંત્રના કાને પોતાની હાલાકી વ્યક્ત કરી હતી. જોકે પાણી પુરવઠા તંત્ર દ્વારા તૂટેલી પાણીની લાઈનનું સમારકામ હાથ ધરી વહેલાસર સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
લખપતના અગ્રણી સાલેમામમદ હજામ અને લિયાક્ત નોતીયારએ પાણી સમસ્યા વિશે તંત્રને જવાબદાર ઠેરવી પજવણી કરવામાં આવતો હોવાનો આરોપ મૂક્યો હતો. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા એક માસથી પાણીની તંગી ઉદભવતા લોકો સાથે અબોલ પશુઓને પાણી માટે રીતસરના વલખા મારવા પડી રહ્યા છે. આ બાબતે યોગ્ય નિરાકરણ નહિ આવે તો આગામી સોમવારથી દયાપર પાણી પુરવઠા કચેરીએ આવી મહિલાઓ ધરણાં પ્રદર્શન કરશે.
અલબત્ત બપોરે બે વાગ્યે પાણી પૂતવઠા વિભાગના અધિકારી પ્રભાકરે આવીને મહિલાઓની સમસ્યા સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. વિશેષ આ વિસ્તારમાં આવેલા ઘોડાતટ ડેમના પાણી સુકાઈ જ્તા પાણી દૂષિત બન્યા છે જેને લઈ આસપાસના અનેક ગામમાં ઉનાળાની ઋતુમાં પાણી સમસ્યા વિકટ બની હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.