દુઃખદ:લખપત તા.માં ભૂખમરો 70 ગાયને ભરખી ગયો; અબડાસામાં વરસાદથી 40 ગાય મોતને ભેટી

દયાપર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલરાવાંઢમાં 60 તેમજ ખાણોટમાં દસેક ગાયના મૃત્યુ, બિટ્ટામાં 40 ગાયના શ્વાસ થંભ્યા

લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસેલા ભારે વરસાદે બુધવારે વિરામ લીધો હતો તેની વચ્ચે લખપત તાલુકાના કલરાવાંઢ તેમજ ખાણોટમાં ભારે વરસાદ તેમજ ભુખમરાથી 70 જેટલી અને અબડાસા પંથકના બિટ્ટામાં 40 ગાયોના મોત થતા માલધારીઓની એક આંખમાં હર્ષ તો બીજી આંખમાં દુ:ખના આંસુ આવ્યા હતા. હાલમાં ગાયોમાં ફેલાયેલ લમ્પી નામના રોગથી પશુપાલકો ચિંતિત છે તેની વચ્ચે લખપત તાલુકાના કલરાવાંઢ તેમજ ખાણોટમાં ભારે વરસાદ તેમજ ભૂખમરાથી 70 જેટલી ગાયોના મોત થયા છે.

કલરાવાંઢના જત અનવર નૂરમામદ, જત અમીરઅલી, જત સાયના સુવંધ, જત આમદ હાસમ, અભુખેરમામદ સહિતના લગભગ 25 જેટલા પશુપાલકોની 60 જેટલી ગાયોના મોત થયા છે. માલધારીઓએ વેદના સાથે જણાવ્યું હતું કે, અગાઉ ઘાસચારાની અછત હતી તેથી ભૂખમરા તેમજ હાલમાં પડેલા ધોધમાર વરસાદની સીધી અસર અબોલા પશુઓ પર પડી છે પરિણામે અશક્ત બનેલી ગાયોના મોત નિપજ્યા હોવાનું જણાવ્યું હતું. એક સાથે 60 જેટલી ગાયોના મોતની જાણ પશુ ડોકટરને કરાઇ હતી. કોટડામઢ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી કલરાવાંઢના તલાટી કે.ડી. રાવલે સ્થળ પર પંચનામુ પણ કર્યું હતું.

જેમાં ગામના 24 જેટલા અલગ અલગ પશુપાલકોની 57 જેટલી ગાયો તેમજ 4 નાની વાછરડી મળીને કુલ્લ 61 જેટલી ગાયોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ તાલુકાના ખાણોટ ગામના કરમખાન જતની નાની મોટી 10થી 12 જેટલી ગાયોના તાજેતરમાં પડેલા ભારે વરસાદ તેમજ ભુખમરાથી મોત થયા હોવાનું બીટીયારીના આગેવાન આરબ જતે જણાવ્યું હતું.

અબડાસામાં આઠ દિવસ વરસાદ થતાં અનેક પશુના મોત થયા છે. વરસતા વરસાદના ઠારને કારણે તાલુકાના બિટ્ટા ગામે 40 જેટલી ગાયો મોતના મુખમાં ધકેલાઇ હતી. તાલુકામા ગામ દીઠ 30થી 35 ગાયના મોત થયા હોવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે મોજણી કરાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...