બર્નિંગ રીક્ષા:કચ્છના માધાપરમાં જાહેર માર્ગ પર લોનના હપ્તા ન ભરનાર ચાલકે પોતાની જ રીક્ષા સળગાવી દેતા ચકચાર

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • ફાયનાન્સ કંપનીના માણસો ઉઘરાણી કરવા આવતા ઘટનાને અંજામ આપ્યો

ભૂજના માધાપરમાં આજે બપોરે એક વિચિત્ર આગની ઘટનાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નગરના બસ સ્ટેન્ડ સામેના જાહેર માર્ગ પર રીક્ષા ચાલકે પોતાનીજ રીક્ષા સળગાવી મૂકી હતી. લોન મારફતે ખરીદેલી સીએનજી રીક્ષાના હપ્તા ચડી જ્યાં ફાઇનાન્સ કંપનીના માણસો ઉઘરાણી કરવા આવતા ચાલકે રીક્ષામાં આગ લગાડી મૂકી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે બાદમાં લોકોની મદદ વડે આગ પર કાબૂ મેળવ્યો હતો અને ચાલકને પોલીસ મથકે લઈ જઈ આગળની તપાસ હાથ ધરી છે.

રીક્ષા ચાલકે આગ લગાવી જાતે વીડિયો રેકોર્ડ પણ કર્યો-સૂત્રો
આ વિશે મળતી પ્રાથમિક માહિતી મુજબ આજે બુધવારે બપોરે અંદાજિત 12 વાગ્યાની આસપાસ માધાપર બસ સ્ટેન્ડ સામેના માર્ગ પર સીએનજી રીક્ષામાં તેનાજ ચાલકે લોનના હપ્તાની વસૂલી માટે આવેલા ફાયનાન્સ કંપનીના માણસ સામે ક્રોધે ભરાઈને આગ લગાડી મુકી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ચાલકે પહેલા રીક્ષામાં પથ્થર પણ માર્યા હતા અને ફાયનાન્સ વાળાએ રીક્ષા સળગાવી હોવાનો જાતે વીડિયો પણ મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. જોકે ઘટનાના પગલે તુરંત દોડી આવેલી પોલીસે રીક્ષા ચાલકને સાથે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. માધાપર પોલીસનો સંપર્ક કરતા હજુ સુધી આ અંગે ફરિયાદ નોંધાઇ ના હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...