રમજૂ છત્રા
કચ્છ દેશનો સાૈથી વિશાળ અને ભાૈગોલિક રીતે વિવિધતા અને પકડારજનક જિલ્લો છે. તેથી જ અહીં સરકારી યોજના અને ચૂંટણી સહિતની કામગીરી ખૂબ જ મુશ્કેલ ભરી રહે છે. હવે ચૂંટણી કમિશન મતદારો માટે મદદગાર બની ગયું છે. પરંતુ કચ્છના અનેક અેવા ગામો છે જ્યાં મતદાન બુથની જરૂરીયાત છે. જેમાં કચ્છના પ્રવેશદ્વાર સમાન સૂરજબારીની સામે અાવેલા ચેરાવાંઢનો ઉદાહરણ લઇ શકાય છે. અા ખૂબ જ ગરીબ ગામ છે. જયાં લોકોને પાયાની સુવિધા તો નથી જ સાથે લોકોને મતદાન કરવા બે કિમી દૂર સુરજબારી જવુ પડે છે.
કચ્છમાં સૂરજનું પહેલું કિરણઆ ગામમાં પડે છે એટલે ગામનું નામ સૂરજબારી રાખવામાં આવ્યું છે. પણ વિકાસના નામે સાવ અંધકાર છે. આ ગામ બે વિભાગમાં વહેંચાયેલું છે. જેમાં સુરજબારી પુલની અેકબાજુ ચેરાવાંઢ અને બીજીબાજુ સૂરજબારી ગામ અાવેલું છે. બન્ને ગામ થઇને અંદાજે 2000થી 2200 જેટલી વસ્તી છે. ગામમાં ફક્ત આગરીયા અને માછીમાર લોકો રહે છે. મતદાર યાદીમાં અા બન્ને ગામોના અંદાજે 740 મતદારો છે. ગામમાં પાયાની આરોગ્ય, શિક્ષણ, રોડ- રસ્તાની કોઇ સુવિધા નથી.
માછીમાર કે આગરીયાને પેકજ લાભ મળ્યો નથી
તેમજ સાગર ખેડૂતના નામે કરોડોના પેકજ જાહેર થાય છે પણ આજ દીવસ સુધી કોઈ માછીમાર કે આગરીયાને તેનો લાભ મળ્યો નથી. અહીંના અંદાજે 200 લોકો દૈનિક મજુરી માટે પાડોશી જિલ્લા મોરબીમાં જાય છે. તો અમુક કુટુંબ રોજગારના કારણે ગામ અને જિલ્લો છોડીને કાયમ માટે મોરબી રહેવા જતા રહ્યા છે.
પાકો માર્ગ બનાવવામાં આવે તેવી માંગ
આ અંગે સૂરજબારીના પૂર્વ સરપંચ અને ચેરાવાંઢમાં રહેતા સધીકભાઈ સમાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારુ ગામ જયારે ચૂંટણી આવે ત્યારે યાદ આવે અને દર ચોમાસે ચેરાવાંઢની અવર જવર બંધ થઇ જાય છે. તેમજ કેટલા વર્ષ અગાઉ માટીનો એક કાચો રસ્તો છે. વાંઢમાં હાલ 800થી 1000ની વસતી છે. અંદાજે 200થી300 મતદાતા છે. પણ મત આપવા માટે બે કિમી દૂર સૂરજબારી જવું પડશે. ચેરાવાંઢમાં પણ મતદાન મથક શરૂ થાય તથા પાકો માર્ગ બનાવવામાં આવે તેવી માંગ છે.
આવાસ યોજના હજુ કાગળ પર : સરપંચ
સૂરજબારીના સરપંચ સલીમભાઇ હબીબ જેડાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગામમાં એક પણ મકાન પાકું નથી. સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ 50થી 55 મકાનો પાસ થયાં હતા, પણ કોઈ ચુકવણું કરવામાં ન આવતા મકાનોનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. અને તાલુકામાં અધિકારીઓને રૂબરૂ પૂછીએ તો પણ જવાબ આપતા નથી. ગામલોકોને વિકાસ કોને કહેવાય તે ખબર નથી. ગામમાં સાંજ પડે એટલે કોઈ રોડ લાઈટના હોવાથી અંધકાર છવાઈ જાય છે. અને ગામના મુખ્ય રસ્તા બાવળની ઝાડીના કારણે જંગલના રસ્તા જેવા થઇ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.