વાહન ચાલકો મુશ્કેલીમાં:કચ્છમાં ડીઝલની ખપત કરતાં પુરવઠો ઓછો આવતાં વાહન ધારકોને મુશ્કેલી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મોટા પોર્ટ, નાના-મોટા ઉદ્યોગોને અસર થાય તેવી વકી
  • ખાનગી તેલ કંપનીઓના પંપ પર માત્ર 40થી 50 ટકા જ જથ્થો આવતાં સરકારી પંપ પર ભારણ વધ્યું
  • સરકારી કંપનીઓએ ક્વોટા પધ્ધતિ દાખલ કરતાં સર્જાઇ પરિસ્થિતિ

કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી ડીઝલનો પૂરતો પુરવઠો ન અપાતાં ખાનગી પંપ પર અછત વર્તાઇ રહી છે અને જેના કારણે હવે સરકારી પંપ પર પણ ભારણ વધી ગયું છે અને ત્યાં પણ પૂરતો જથ્થો ન મળવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. જિલ્લામાં કંડલા અને મુન્દ્રા એમ બે મોટા પોર્ટ અને નાના-મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે ત્યારે જો આવી સ્થિતિ રહી તો તેની સીધી અસર માલ પરિવહન પર પડશે, જેના કારણે પોર્ટ અને ઉદ્યોગોની કામગીરી પર વિપરીત અસર પડે તેવી શકયતા સેવાઇ રહી છે.

સરકારી કંપનીઓ જેવી કે, હિન્દુસ્તાન પેટ્રોલીયમ, ભારત પેટ્રોલીયમ, ઇન્ડિયન ઓઇલ સહિતની કંપનીઓએ ક્વોટા પધ્ધતિ દાખલ કરી છે એટલે કે, ગત મહિને જે-તે પંપની જેટલી ખપત હતી, તે મુજબ ક્વોટા બાંધી ત્યારબાદ તેટલો જથ્થો અપાય છે, તેનાથી વધુ પુરવઠો ન અપાતાં આ સ્થિતિ ઉભી થઇ હોવાનું પંપના વિક્રેતાઓ જણાવી રહ્યા છે.

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ખાનગી પંપને ડીઝલની જરૂરિયાતની સામે માત્ર 40 થી 50 ટકા જ જથ્થો અપાય છે, જેના કારણે વાહન ચાલકોનો વિશેષ ધસારો સરકારી કંપનીના પેટ્રોલ પંપ ઉપર રહે છે અને ત્યાં પણ પૂરતા પ્રમાણમાં પુરવઠો ન મળતો હોવાની રાવ ઉઠી રહી છે. કચ્છમાં સિમેન્ટ, લિગ્નાઇટ અને નમક ઉપરાંત માલ પરિવહનના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમી રહ્યો છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની માંગ મુજબ પૂરતો જથ્થો ન મળતાં હવે માલ પરિવહન પર વિપરીત અસર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે અને જો હજુ આવી જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં અફરા-તફરીનો માહોલ સર્જાય તો નવાઇ નહીં.

ખાનગી પંપ પર ડીઝલનું વેચાણ બંધ, છતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર અસર નહીં પડે
સરકારી કંપનીઓના પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે છે પરંતુ ખાનગી કંપનીઓ જેવી કે, રિલાયન્સ, નાયરા વગેરેના પંપ પર ડીઝલનું વેચાણ સદંતર બંધ છે. હવે પંપ પર પણ ક્વોટા પધ્ધતિ દાખલ થાય તેવી શક્યતા છે જો કે, ડીઝલની અછતના કારણે કચ્છના માલ પરિવહન કે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર અસર નહીં પડે. - નવઘણ આહીર, પ્રમુખ-કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિયેશન

​​​​​​​એક મહિનાની ઉધારી પર ડીઝલ મળવું બંધ
ખાનગી પંપ પર ડીઝલની અછતના પગલે કચ્છના અમુક પંપ પર તો ડીઝલનો જથ્થો નથી, જેની સીધી અસર વેચાણ પર થઇ છે. અગાઉ પંપના વિક્રેતાઓ દ્વારા ટ્રાન્સપોર્ટરોને એક મહિનાની ઉધારી પર ડીઝલ અપાતું હતું પરંતુ હાલે ડીઝલની અછત વચ્ચે તે પધ્ધતિ બંધ કરી દેવાઇ છે. - નીલેશ ગણાત્રા, અગ્રગણ્ય ટ્રાન્સપોર્ટર

​​​​​​​જરૂરિયાત મુજબ ડીઝલનો જથ્થો અપાતો નથી
કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પંપ પર ડીઝલની જરૂરિયાત સામે પૂરતો જથ્થો ફાળવાતો નથી, જો કે તેમ છતાં તેની પરિવહન પર અસર નહીં થાય. જે-તે કંપનીઅોના કહેવા મુજબ તેઓ પાસે પણ ડીઝલનો પૂરતો જથ્થો નથી અને આ પરિસ્થિતિ હજુ કેટલા દિવસ રહેશે તે કહી શકાય નહીં. - અરવિંદ ઠક્કર, પ્રમુખ-ગુજરાત પેટ્રોલ પંપ એસોસિયેશન

​​​​​​​જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી શરૂ થઇ છે આ સ્થિતિ
સરકારી કંપનીઓ જેવી કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વગેરેના પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે છે પરંતુ રિલાયન્સ, એસ્સાર સહિતના ખાનગી પંપ પર જથ્થો ઉપલબ્ધ નથી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. - દીપક ઠક્કર, ડીઝલ વિક્રેતા

ખેડૂતોને થશે વધુ નુકસાની
કચ્છમાં પણ વરસાદની આગાહી વચ્ચે જો મેઘરાજા મન મુકીને વરસશે તો ખેડૂતો વાવવણીમાં જોતરાઇ જશે. હાલે મોટાભાગના ખેડૂતો પાસે ટ્રેક્ટર છે અને બળદો ખેતી ઝુઝ લોકો જ કરી રહ્યા છે ત્યારે વાવણી વખતે ટ્રેક્ટરમાં ડીઝલની વધુ ખપત રહેશે અને જો ડીઝલની આવી સ્થિતિ રહી તો તેની વધુ નુકસાની ખેડૂતોને થશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...