હવામાન:કચ્છમાં મહત્તમ પારો બે ડિગ્રી જેટલો ઉંચકાતાં ફરી ગરમીનું જોર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં ગત સપ્તાહે વેગીલો વાયરો ફૂંકાતાં ઉંચું ઉષ્ણતામાન 39 ડિગ્રીથી નીચે રહેવાની સાથે ગરમીમાં રાહત અનુભવાઇ હતી પણ બુધવારે મહત્તમ પારો બે ડિગ્રી જેટલો ઉંચકાતાં ફરી ગરમીએ જોર પકડ્યું હતું. રાજ્યમાં ચોથા ક્રમે ગરમ રહેલા ગાંધીધામ અને અંજારને આવરી લેતા કંડલા એરપોર્ટ મથકે અધિકત્તમ 42.6 ડિગ્રીએ પહોંચ્યું હતું.

મંગળવારે કંડલા એરપોર્ટ મથકે 11 દિવસ બાદ મહત્તમ 40.8 ડિગ્રી નોંધાયા બાદ બીજા દિવસે બુધવારે તાપમાન વધુ બે આંક જેટલું ઉંચકાઇને 42.6 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ, આદિપુર, અંજાર સહિતના વિસ્તારમાં થોડા સમયના વિરામ બાદ ફરી કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. પવનની ગતિ ઘટવાની સાથે ભેજ વધતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા.

જિલ્લા મથક ભુજમાં પણ મહત્તમ ઉષ્ણતામાન દોઢ આંક જેટલું ઉંચકાઇને 39.7 ડિગ્રી થતાં ગરમીએ પુન: જોર પકડ્યું હતું. સપ્તાહમાં અધિકત્તમ તાપમાન 3.5 ડિગ્રી જેટલું વધતાં શહેરીજનો ફરી બફારા અને ઉકળાટથી અકળાયા હતા. કંડલા બંદરે 36.1 ડિગ્રીએ તાપમાન જળવાયેલું રહ્યું હતું તો નલિયામાં એક આંક વધીને 35.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. ચાલુ સપ્તાહના અંત સુધી કચ્છમાં તાપમાન મોટે ભાગે જળવાયેલું રહેશે અને નોંધપાત્ર ફેરફાર નહીં થાય તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...