ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છમાં વિદ્યુત કંપની દ્વારા રૂા. 519 કરોડના ખર્ચે વીજ વિતરણ માળખાને સુદ્રઢ બનાવાશે

ભુજ16 દિવસ પહેલાલેખક: જયદીપ વૈષ્ણવ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના તળે રકમ ફાળવાઇ
  • ખુલ્લા અને જોખમી 11 કેવી વીજ તારો 345 કરોડના ખર્ચે બદલવામાં આવશે

કેન્દ્ર સરકારની રીવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યૂશન સેક્ટર સ્કીમ (આરડીએસએસ) યોજના તળે કચ્છમાં વીજ વિતરણ માળખાને સુદ્રઢ બનાવવા 519 કરોડ જેટલી રકમ ફાળવાઇ છે જે અન્વયે ભુજ વર્તુળ કચેરી હેઠળ 226 અને અંજાર સર્કલ ઓફિસ તળે આવતા વિસ્તારોમાં 293 કરોડના ખર્ચે વિવિધ કામો આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

યોજનાના મુખ્ય પ્રકલ્પમાં પૂર્વ તેમજ પશ્ચિમ કચ્છની વીજ વર્તુળ કચેરી તળે આવતા ખુલ્લા 11 કેવી વીજ તારો 345 કરોડના ખર્ચે બદલવામાં આવશે. આ ઉપરાંત 100થી 200, 25થી 63 અને 63થી 100 કેવીએના 1685 જેટલા ટ્રાન્સફોર્મમર બદલવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતાં ભુજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર અમૃત ગુરવાએ જણાવ્યું હતું કે, જે જગ્યાઓ પર અકસ્માત નોતરે તેવા વાયર હોય તેના સ્થાને રબરથી ઇન્સ્યૂલેટેડ બંચ કેબલ નાખવામાં આવશે. આ માટે ભુજ સર્કલ ઓફિસને 25 કરોડ તો અંજારની વર્તુળ કચેરીને 38 કરોડ ફાળવાયા છે.

ખાસ કરીને ચોમાસાના સમયે કરંટ લાગવાને કારણે બનતા આકસ્મિક બનાવોને ટાળવા માટે લાંબા સમય સુધી ચાલે તેવું કેમિકલ યુક્ત અર્થિંગ આવશ્યક જગ્યાઓ પર કરવામાં આવશે. કચ્છભરમાં આ પ્રકારના નવતર અર્થિંગ માટે 95 કરોડ કરતાં વધુ રકમ ફાળવાઇ છે. આમ પૂર્વ કચ્છમાં 293.64 કરોડ અને પશ્ચિમ કચ્છ વીજ વર્તુળ કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં 226.24 કરોડ મળીને 519.88 કરોડ કરતાં વધુના ખર્ચે વીજ વિતરણ માળખાને સુદ્રઢ બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સ્માર્ટ મીટરની યોજનામાં કચ્છનો સમાવેશ નહીં
રાજકોટ, જામનગર, ભાવનગર જેવા શહેરોમાં પીજીવીસીએલ દ્વારા આગામી સમયમાં વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર આપવામાં આવશે જેમાં મોબાઇલ ફોનના સીમની જેમ કોઇ ચોક્કસ કિંમત સાથેનો કાર્ડ હશે. કાર્ડની કિંમત મુજબ વીજ વપરાશ થશે અને ખાલી થતાં રિચાર્જ કરવાનો રહેશે. આ વીજ બિલમાંથી મુક્તિ મળશે. હાલે આરડીએસએસ યોજનામાં કચ્છને નાણા ફાળવાયા નથી અને જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે.
વિદ્યુત સમિતિ દ્વારા કામોની સમીક્ષા કરાશે
યોજનાના અમલીકરણ દરમિયાન પ્રજાકીય પ્રતિનિધિઓનું યોગદાન અને સુચનો મેળવવા વિદ્યુત સમિતિનું ગઠન કરાશે. આ સમિતિના અધ્યક્ષ સાંસદ વિનોદ ચાવડા જ્યારે મેમ્બર સેક્રેટરી કલેક્ટર રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ભુજને બાદ કરતાં કચ્છના પાંચ ધારાસભ્યો સભ્ય તરીકે સેવા આપશે. ભુજ અને અંજાર વીજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરોને સમિતિમાં કન્વીનરની જવાબદારી સોંપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...