અમુક વેપારીઓ અને પેઢી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે.પેકેજડ આઈટમમાં એક્સપાયરી ડેટ અને અન્ય વિગતો લખી હોવાથી લોકો આ વસ્તુ સારી જ છે તેમ માનીને ખરીદી લેતા હોય છે પણ આ ખાદ્યપદાર્થ ખરેખર આરોગવા યોગ્ય છે કે નહીં ? તે જાણવા માટે જિલ્લા ફૂડ વિભાગની વિવિધ ટીમો દ્વારા વર્ષ 2022 દરમ્યાન અલગ - અલગ સ્થળોએથી 505 ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા જે તપાસણી માટે લેબોરેટરીમાં મુકાયા હતા. જેમાં 271 નમુના ખાવાલાયક હોવાનું ફલિત થયું છે જ્યારે 208 પદાર્થના રિપોર્ટ હજી લેબોરેટરીમાંથી આવ્યા નથી.
આ અંગેની વિગતો મુજબ ફૂડ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે ફરિયાદો તેમજ બાતમીના આધારે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે.ફૂડ વિભાગ દ્વારા જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધીમા અલગ અલગ સ્થળોએ કુલ 505 વસ્તુઓના નમૂના લેવાયા હતા જે તપાસણી માટે લેબોરેટરીમાં મુકવામાં આવ્યા છે.
જેમાં 271 ખાદ્ય પદાર્થ ખાવાલાયક હોવાનું સામે આવ્યું છે જ્યારે 26 ખાવાલાયક ન હોવાનું વર્ષ દરમ્યાન સામે આવ્યું હતું.જેમાં 12 નમુના સબ સ્ટાન્ડર્ડ એટલે કે ફેઈલ થયા છે તો 13 મિસ બ્રાન્ડેડ છે જ્યારે 1 નમૂનો અનસેફ હોવાનું સામે આવતા કાયદાકીય પગલાં લેવાયા હોવાનું ફૂડ અધિકારી અમિત પટેલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,શ્રાવણ, નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારમાં ફૂડ વિભાગ દ્વારા નમુના લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ હજી આવ્યા નથી.લોકો ફૂડ આરોગી ગયા પણ જો તે અનસેફ જાહેર થાય તો શું ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.ફૂડ વિભાગ દ્વારા ઘી,પનીર, શ્રીખંડ,મરચા પાવડર,ગાંઠિયા, ટોસ,તેલ,કાળું મીઠું,પાપડ,ખજૂર, હળદર,વિવિધ પ્રકારના સોસ,ફાફડા-જલેબી,મીઠાઈ સહુતના પણ સમાવેશ થાય છે.
આખા રાજ્યમાં માત્ર 3 જ લેબોરેટરી, 1 ભુજમાં
રાજ્યમાં ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતા નમૂનાઓના પરીક્ષણ માટે માત્ર 3 લેબોરેટરી છે.જેમાં એક ભુજમાં અને બીજી રાજકોટ અને વડોદરામાં આવેલી છે.જોગવાઈ પ્રમાણે સ્થાનિકે લેવાયેલા નમૂના અહીંની લેબોરેટરીમાં પરીક્ષણ કરી શકાતા નથી.જેથી જિલ્લામાંથી લેવામાં આવતા નમૂના અન્ય જિલ્લાની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાય છે અને અન્ય જિલ્લામાંથી નમૂના ટેસ્ટિંગ માટે ભુજ આવતા હોય છે પણ આખા રાજ્યમાંથી નમૂના ભેગા થતા હોઇ રિપોર્ટ મોડા આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.