કચ્છમાં પુરવઠા નિગમના 11 ગોદામો અાવેલા છે, જેમાંથી 10માં મેનેજરની જગ્યા ખાલી પડી છે અને હાલે ઇન્ચાર્જના ભરોસે ગાડું ગબડાવવામાં અાવી રહ્યું છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના કચ્છમાં કુલ 11 ગોદામો અાવેલા છે, જેમાં રાપરમાં ડાભુંડા રોડ પર, ભચાઉમાં પોલીસ સ્ટેશન નજીક, અંજારમાં વરસામેડી નાકા પાસે, ખાવડામાં મામલતદાર કચેરી સામે, નખત્રાણામાં ભુજ-નખત્રાણા હાઇવે પર, નલિયામાં કોઠારા હાઇવે પર, માંડવીમાં લાયજા રોડ પર શીતળા માતાજી મંદિર પાસે, મુન્દ્રામાં પીજીવીસીઅેલ કચેરી નજીક, ગાંધીધામમાં કંડલા નજીક, દયાપરમાં સુભાષપર રોડ પર અને જિલ્લા મથકે ભુજિયાની તળેટીમાં અાત્મારામ સન્સની સામે પુરવઠા નિગમનું ગોદામ અાવેલું છે.
પુરવઠા વિભાગ દ્વારા અપાતું રાશન પ્રથમ જિલ્લા મથક ભુજના ગોદામમાં અાવ્યા બાદ ત્યાંથી જિલ્લાના વિવિધ ગોદામો પર જથ્થો પહોંચતો કરાય છે. સંબંધિત ગોદામો પર ડેપો મેનેજર અને અાસિસ્ટન્ટ ડેપો મેનેજરની જગ્યા હોય છે ત્યારે કચ્છના 11 ગોદામમાંથી અેકમાત્ર નખત્રાણામાં ડેપો મેનેજરની જગ્યા ભરાયેલી છે,
જયારે બાકીના 10 ગોદામમાં જગ્યા ખાલી પડી છે અને હાલે અા ગોદામો ઇન્ચાર્જના ભરોસે છે. કચ્છમાં ન માત્ર પુરવઠા નિગમ પરંતુ મહેસૂલી વિભાગ સહિત વિવિધ કચેરીઅોમાં જગ્યાઅો લાંબા સમયથી ખાલી પડી છે, જે ભરવામાં સરકાર નિરસ હોય તેવો તાલ સર્જાયો છે.
માંડવી- નલિયામાં ઝડપાયા હતા અાધાર-પૂરાવા વગરના ઘઉં
સ્ટાફની ઘટ વચ્ચે તાજેતરમાં જ માંડવી અને અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં અાધાર-પૂરાવા વગરના ઘઉં ઝડપાયા હતા. તો વળી મગફળી કાૈભાંડ વખતે ગાંધીધામના કંડલા નજીક અાવેલા ગોદામમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળી રાખવામાં અાવી હતી.
પરંતુ બોરીઅોમાં મગફળીના બદલે માટી ભરેલી હોઇ અા કાૈભાંડ બહાર ન અાવે તે માટે ગોદામમાં અાગ લગાડી દેવાઇ હતી, જેના વિરોધમાં જે-તે વખતના વિરોધ પક્ષના નેતા પર પરેશ ધાનાણીઅે કંડલાથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢી હતી. જો કે, અા કાૈભાંડની તપાસ જે-તે વખતે નાયબ કલેક્ટરને સોંપાયા બાદ સુરસુરિયું થઇ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.