પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના કોઠારા ગામમાં આજે ગુરુવારે તંત્ર દ્વારા નિર્ધારિત દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. ગામના બસ સ્ટેશનથી મુખ્ય પ્રવેશ માર્ગ પર આવેલા રાજાશાહી વખતના બ્રિજનું નવીનીકરણ હાથ ધરવાના અનુસંધાને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રિજ નિર્માણમાં નડતરરૂપ 30 થી 35 પાકા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત હસ્તકની દબાણ હટાવ કાર્યવાહી ચાર ગામના પોલીસ મથકના બંદોબસ્ત હેઠળ પાર પાડવામાં આવી રહી છે. જોકે એક સપ્તાહ પૂર્વે દબાણકારોને દબાણો હટાવી લેવાની તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેને લઈ હજુ સુધી કોઈનો વિરોધ સામે આવ્યો નથી.
નલિયા પાસેના મહત્વના કોઠારા ગામ ખાતે શરૂ કરાયેલી દબાણ હટાવ કામગીરી અંગે સ્થાનિકના મનોજ સોનીએ જણાવ્યુ હતુ કે આજે ગુરુવાર સવારે 10 વાગ્યાથી તંત્રના સાધન સામગ્રી સાથે દબાણો તોડવાની પ્રક્રિયા તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયતની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી છે. નલિયા, કોઠારા, જખૌ મરીન મથકના પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી ચાલી રહી છે. કોઠારા સરપંચ પતિ ત્રિકમ પરઘડું , તાલુકા વિકાસ અધિકારી, કોઠારા પીએસઆઇ સહિતના જવાબદારો સ્થળ પર હાજર રહી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.