ભુજ તાલુકાના કાળીતલાવડી ગામે આવેલી ઓમ ચાઈનાક્લે કંપનીમાં મંગળવારે રાત્રિના સાડા અગ્યાર વાગ્યાના અરસામાં બનેલી દર્દનાક ઘટનામાં ઠેકેદારે લોડર રિવર્સ લેતાં પાછળ સુતેલી શ્રમજીવીની બે દિકરી પર ટાયર ચડી જતાં જેમાં 6 વર્ષની બાળકી નીપજ્યું હતું. જ્યારે ત્રણ વર્ષની બાળકીને ઇજા પહોંચતાં સારવાર અર્થે દાખલ કરાઇ હતી. બનાવને પગલે પરપ્રાંતિય મજુર પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પધ્ધર પોલીસે ચાલક વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે. પધ્ધર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ મંગળવારે રાત્રિના સાડા અગ્યાર વાગ્યાના અરસામાં બન્યો હતો.
મુળ એમપીના અને કાળીતલાવડી ગામે ઓમ ચાઈનાક્લે કંપનીમાં ફિલટરમાં કામ કરતા રમેશભાઇ મંગલીયા ભૂરિયા (ઉ.વ.24) નામના શ્રમજીવીએ મંગળવારે રાત્રીના સાડા અગ્યાર વાગ્યના અરસામાં ચાઇનાક્લેના ડગલમાં જગ્યા કરવા માટે લોડર ચાલુ કરી ડગલો ખસેડવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન મુળ દાહોદમાં હાલ કંપનીમાં મજુરોના સુપરવાઇઝર ઠેકેદાર તરીકે કામ કરતા મસુલ ભગાભાઇ મેડા તાત્કાલિક દોડી આવીને રમેશભાઇ પાસેથી લોડર લઇ લીધું હતું અને કહ્યું હતું કે, તને લોડર આવડતું નથી તો, કેમ ચાલુ કર્યું તેમ કહીને મસુલ મેડાએ માટીના ડગલા પરથી લોડર ચલાવીને રિવર્સમાં લેતાં પાછળ શ્રમજીવી રમેશભાઇની બે દિકરીઓ સુતી હતી. તેના પર લોડરનું ટાયર ચડી ગયું હતું. જેને કારણે ગ઼ભીર ઇજાઓ થવાથી બન્ને બાળકીઓને તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
જ્યાં મોડી રાત્રે રમેશભાઇની 6 વર્ષની દિકરી સોનલને તબીબે મૃત જાહેર કરી હતી. જ્યારે સોનલની બાજુમાં સુતેલી પીનલ રમેશભાઇ ભૂરીયાને ઇજાઓ પહોંચતાં સારવાર હેઠળ રખાઇ હતી. માસુમ દિકરી સોનલના મોતથી પરિવારજનો આક્રંદ છવાઇ ગયો હતો. પધ્ધર પોલીસે જણાવ્યું હતું કે, મજુર પરિવાર તેમની મૃત પુત્રીની અંતિમ વિધિ કરવા માટે વતને લઇ ગયા છે. જ્યારે અન્ય પુત્રી પીનલની તબીયત સારી હોવાનું તબીબ જણાવતા પણ પરિવાર પોતાના વતને લઇ ગયા છે. હાલ આ ઘટના અંગે કોઇ ફરિયાદ દાખલ કરાઇ નથી પરંતુ લોડર ના ચાલક વિરૂધ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે.
વિધિની વક્રતા તો, જુઓ કામની પળોજણમાં પિતાને દિકરી ગુમાવવાનો વારો આવ્યો
વિધિની વક્રતા કેવી કહેવાય કામની પળોજણમાં પિતાએ આવડતું ન હોવા છતાં લોડર ચલાવ્યું હતું. પણ ઠેકેદારે તેની પાસેથી લોડર લઇને લોડર ચલાવીને પિતાની નજર સામે જ તેની બે પુત્રીઓ પર ટાયર ચડાવી દીધું જેમાં એકનું મોત થયું. હવે અકસ્માત મોત નીપજાવનાર ઠેકેદાર સામે નોંધાશે ગુનો.
5 વર્ષની બાળકીનું જખૌના સમુદ્રમાં ગરકાવ થવાથી મોત
અબડાસા તાલુકાના જખૌ બંદર પર બુધવારે બપોરે બે વાગ્યાના અરસામાં સમુદ્ર કિનારે રમતા રમતા 5 વર્ષની બાળકી શોભનાબેન ભરતભાઇ કોલી ઉંડા પાણીમાં ગરકાવ ગઇ હતી. જેને બહાર કાઢીને નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાતાં જ્યાં સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું. જખૌ મરિન પોલીસે હતભાગી દિકરીના પિતાની જાહેરાત પરથી અકસ્માત મોતનો બનાવ નોંધી કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.