કચ્છમાં શનિ અને રવિવારે કમોસમી વરસાદની વ્યક્ત કરાયેલી સંભાવના વચ્ચે રાપર તાલુકાના જાટાવાડામાં સામાન્ય છાંટા પડ્યા હતા જે દરમિયાન ખાબકેલી વીજળીએ યુવાન ખેડૂત શ્રમજીવીનો ભોગ લીધો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારમાં સાંજે હવામાન એકાએક પલટાવાની સાથે છાંટા પડ્યા હતા. આજે રવિવારે પણ અમુક સ્થળે ભારે પવન સાથે ઝાપટા પડવાની સંભાવના દર્શાવાઇ છે.
રાપર તાલુકાના જાટાવાડા ગામે સાંજે 5.30 વાગ્યાના અરસામાં ભારે ડરામણા કડાકા ભડાકા સાથે છાંટા પડ્યા હતા જેમાં ખેતરની બાજુમાં ઉભેલ ગામના કારીધાર વિસ્તારમાં રહેતા કિશોર રાઘુ કોલી (ઉ. વ 26) પર વીજળી પડતાં યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. યુવક ખેતરની બાજુમાં કામ કરી રહ્યો હતો ત્યારે યમદૂતની જેમ કૃષ્ણભગિની ત્રટકી હતી જેના કારણે દોઢ અને ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. હતભાગીને રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. વધુ તપાસ બાલાસર પોલીસે હાથ ધરી હતી.
તાલુકાના આણંદપર, જીલાર વાંઢ, વ્રજવણી સહિતના વિસ્તારોમાં કમોસમી છાંટા પડ્યા હતા. જોકે સામાન્ય છાંટા વચ્ચે વીજળીના કડાકા ભડાકા એ ભારે ભય ઉભોફેલાવ્યો હતો. રાપર શહેરમાં રાત્રે 8 વાગ્યાના અરસામાંછાંટા શરુ થયા હતા. જોકે વધુ વરસાદ ન પડતાં ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.
મુન્દ્રા, અંજાર, ધોળાવીરામાં છાંટા પડ્યા હોવાના અહેવાલ સાંપડ્યા હતા જ્યારે પૂર્વ કચ્છતેમજ અબડાસા સહિતના કેટલાક વિસ્તારમાં સાંજે વાદળો છવાયા હતા. નખત્રાણા તાલુકાના વિથોણ પંથકમાં છાંટા પડયા હોવાનું જાણવા મળ્યું હતું. હાલે ખેતરોમાં ધાણા અને રાયડાનો પાક તૈયાર છે તેવી પરિસ્થિતિમાં જો માવઠું થાય તો પાકને મોટી નુકસાની થવાની ભીતિ કિસાનોને સતાવે છે તેમ નાના અંગિયાના ડાહ્યાભાઈ પટેલે જણાવ્યું હતું. .તકેદારીના ભાગ રૂપે તૈયાર થઈ ગયેલી ઉપજ અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન ભુજમાં મહત્તમ તાપમાન 38.1, નલિયા 37.4, કંડલા 36 અને કંડલા એરપોર્ટ મથકે 37.6 ડિગ્રી નોંધાયું હતું. આજે કચ્છમાં કેટલાક સ્થળે પ્રતિ કલાક સરેરાશ 30થી 40 કિલો મીટરના વેગીલા પવન સાથે ઝાપટા પડવાની સંભાવના છે તેમ હવામાન વિભાગ દ્વારા પાઠવાયેલી યાદીમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.