અરજી:સુધરાઇમાં આખો દિ’ ફરિયાદો સાથે 5-7ના ટોળા આવતા રહ્યા

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં પાણી, સફાઈ અને ગટરની અરજીઓના નિકાલનો ભાર

ભુજ નગરપાલિકામાં સોમવારે પાણી, સફાઈ અને ગટર શાખાના વાંકે અાખો દિવસ જુદા જુદા વિસ્તારોમાંથી ફરિયાદો સાથે પાંચ સાતના ટોળા અાવતા રહ્યા હતા. જોકે, મોટાભાગના વિસ્તારોમાં બિલ્ડરોના વાંકે પાણી અને ગટરની સમસ્યા સર્જાઈ છે અને અંતે નગરપાલિકા ઉપર દબાણ અાવી ગયું છે. જોકે, નગરપાલિકા કઈ ગ્રાન્ટ હેઠળ કોની સમસ્યા ક્યારે ઉકેલી શકાય અેની ગણતરી માંડી અાગળ વધી રહી છે. પરંતુ, લોકોમાં ધીરજ ખૂટી ગઈ છે.

ભુજ શહેરમાં ભૂકંપ બાદ ચારે દિશામાં નીત નવી વસાહતો સ્થપાતી ગઈ છે. પરંતુ, મોટાભાગની વસાહતોમાં બિલ્ડર લોબીઅે પાણી અને ગટરની વ્યવસ્થા સંતોષકારક ગોઠવી નથી, જેથી અંતે રહેવાસીઅો નગરપાલિકામાં અરજીઅોનો મારો ચલાવે છે. પદાધિકારીઅો પણ કઈ ગ્રાન્ટ હેઠળ કયા વિસ્તારને અગ્રતાક્રમે સમાવવા અેની મથામણ કરતા રહે છે. જે લાંબી પ્રક્રિયા દરમિયાન લોકોની ધીરજ ખૂટતી જાય છે અને પાંચ સાતના ટોળામાં રજુઅાત માટે ધસી અાવે છે.

સોમવારે દિવસભર પાંચ સાતના ટોળા અાવતા રહ્યા હતા અને અેક જ સવાલ કરતા હતા કે નરેન્દ્ર મોદીના અાગમન સમયે તેમના રૂટમાં તમામ કામો રાતોરાત થઈ ગયા તો પ્રજાના કામોમાં અાવડો વિલંબ કેમ થાય છે. બીજી તરફ છેલ્લા દોઢેક વર્ષથી સફાઈ અને ગટરની સમસ્યા ઉકેલવા માટે સંભવ દરેક પ્રયાસો થઈ રહ્યા છે.

જેમાં છેલ્લા અેકાદ માસથી સફાઈ અને ગટરના ઠેકેદારોનો ઠેકો રદ કરી નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેથી ઠેકો અપાય અને કામગીરી હાથ ધરાય ત્યાં સુધી સફાઈ અને ગટરની સમસ્યાની ફરિયાદોનો મારો પણ વધી ગયો છે. સોમવારે સફાઈ અને ગટરની ફરિયાદોનો મારો સારો અેવો રહ્યો હતો. પરંતુ, અે સમસ્યાનો અંત લાવતા હજુ પંદર દિવસ નીકળી જાય અેમ છે.

અન્ય સમાચારો પણ છે...