કચ્છમાં ઘોરાડને બચાવવા સ્થાનિક અને રાજ્યના વન વિભાગે કોઇ અસરકારક પગલા ભર્યા નથી. જેના લીધે જ હવે અબડાસાના ઘોરાડ અભયારણ્યમાં માત્ર 3થી 4 માદા પક્ષીઅોની હાજરી છે. તેવામાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે અેકાદ મહિના પહેલા ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટક સરકાર પાસે ઘોરાડ સંવર્ધન કેન્દ્રની દરખાસ્ત મંગાવી હતી. અા અંગે સોમવારે લોકસભામાં પણ અેક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રીઅે ઘોરાડની ઘટતી સંખ્યા અને સરકારી યોજના અંગે માહિતી અાપી હતી.
હનુમાન બેનીવાલ નામના સાંસદે રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યોમાં ઘોરાડની ઘટતી સંખ્યાને ફરીથી વધારવા સરકારની યોજના અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીઅે ઘોરાડના સંરક્ષણ અંગેના કાયદાની જાણકારી અાપી હતી. ત્યારબાદ જણાવ્યું હતું કે, મંત્રાલય દ્વારા રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના વનવિભાગની સહાયતાથી તથા દહેરાદૂન સ્થિત ભારતીય વન્યજીવ સંસ્થાનની તકનીકી સહાયતાથી ઘોરાડના સંરક્ષણ અને પ્રજનન માટેની પહેલ કરી છે. મંત્રાલયે ઘોરાડને બચાવવા અેક કાર્યક્રમ માટે સાત વર્ષની અવધી માટે 33.85 કરોડ મંજૂર કર્યા છે.
ઘોરાડની સંખ્યા વધારવા તથા તેના બચ્ચાઅોને વન વિસ્તારમાં છોડવાનો અા કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. નોંધનીય છે કે ગયા મહિને કેન્દ્રીય પર્યાવરણ સમિતિની બેઠકમાં અા અંગે ચર્ચા કરવામાં અાવી હતી. બેઠકમાં સમિતિના સભ્યઅે કચ્છમાં સંવર્ધન કેન્દ્ર શરૂ કરવા અપીલ કરી હતી. ત્યારબાદ સમિતીના ચેરમેને ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારને ઘોરાડ સંવર્ધન કેન્દ્ર માટે દરખાસ્ત મોકલવા અાદેશ કર્યો હતો. તે બેઠક બાદ સોમવારે લોકસભામાં મંત્રીનો જવાબ બંધ બેસતો હોવાનુ માલુમ પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.