વિવાદ:ભુજની RTOમાં વાહન ફિટનેસની કામગીરીમાં ડખ્ખો, કલાક સુધી કામગીરી રહી ઠપ્પ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીની હાજરી છતાં ફોલ્ડરિયો વાહનના ફોટા પાડતા વિવાદ થયો હતો
  • બોલાચાલી બાદ ફરજ પરના ઇન્સ્પેક્ટરે ફોટા પાડતા વિવાદ શાંત થયો

શહેરની આરટીઓ કચેરીમાં વિવાદ અને ડખ્ખો હવે પર્યાય બની ગયા હોવાથી અવારનવાર આવા બનાવો સામે આવે છે.મંગળવારે ઉઘડતા દિવસે કચેરીમાં ફિટનેસની કામગીરી માટે વાહનચાલકો અને અરજદારોનો ધસારો હતો ત્યારે વાહનોના ફોટા પાડવાની બાબતે એજન્ટે બોલાચાલી કરી હતી જેને લઈને ડખ્ખો વધી જતા ગરમાગરમીના માહોલના કારણે કલાક સુધી કામગીરી ઠપ્પ રહી હતી.

આંતરિક સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,મંગળવારે બપોરે આ બનાવ બન્યો હતો.કમ્પાઉન્ડમાં વાહનોના ફિટનેસની કામગીરી ચાલુમાં હતી ત્યારે ફિટનેશ માટે વાહનોના ફોટો પાડવા મુદ્દે બોલાચાલી થઇ હતી.અધિકારી બેઠા હતા ત્યારે બહારનો વ્યક્તિ ફોટા પાડતો હતો જેથી વાંધો ઉપાડવામાં આવ્યો અને બોલાચાલી ઉગ્ર બની જતા અંતે ફરજ પરના ઇન્સ્પેક્ટરે ફોટા પાડતા વિવાદ શાંત થયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.દરમ્યાન બોલાચાલી એટલી હદે વધી ગઈ કે,જોતજોતામાં ટોળું એકત્ર થઈ ગયું અને એકાદ કલાક સુધી વાહનો એમ જ પડયા રહ્યા હતા બાદમાં સમજાવટ થકી મામલો શાંત પડ્યો હતો.

ઓગષ્ટન ફિટનેસ રીન્યુ કેમ્પ આ સ્થળોએ યોજાશે
ઓગષ્ટ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કેમ્પ મુંદરામાં તા.4/8ના, ભચાઉ 5/8ના રોજ, નખત્રાણા 24/8 અને રાપર ખાતે 26/8ના યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે 10 થી 4 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરીએ અને ગાંધીધામ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.

રાજકારણ સાથે જોડાયેલા એજન્ટે અધિકારીને બ્લેકમેઇલ કર્યા
સૂત્રો ઉમેરે છે કે,રાજકારણ સાથે સંકળાયેલા અમુક એજન્ટોએ પોતાના સાથીદારોને લાવીને અધિકારીને બ્લેકમેઇલ કરવા માટે આ ડખ્ખો કર્યો હતો.આરટીઓ કચેરીમાં અવારનવાર આ પ્રકારના બનાવો બને છે પણ અંતમાં મામલો શમી જાય છે પોલીસ કાર્યવાહી કરવામાં આવતી નથી.

‘મામુ’ બનાવવાની કોશિશ નાકામિયાબ રહી
વાહન ફિટનેશની કામગીરીમાં મામૂ બનાવવાની કોશિશ નાકામિયાબ રહી હોવાનું પણ ચર્ચાય છે.કારણકે ફોટા પાડવાની કામગીરીમાં જે વિવાદ થયો તેમાં આ કડી પણ કારણભૂત રહી હતી.જોકે બાદમાં મામલો થાળે પાડી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...