ભુજ અને કુકમાં ગામના શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી આગળ ધપાવતા વિદ્યાર્થીઓ સામાજિક ક્ષેત્રે જીવદયાની પ્રવૃત્તિના ભાગરૂપે સેવાકીય પ્રવૃતિઓની સુવાસ ફેલાવી સમાજને એક નવી રાહ ચિંધી રહ્યા છે. ભુજના માધાપર ગામના રહેણાક વિસ્તારમાં ચકલીઓ માટે આશરો આપવા ચકલીઘર બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યું છે. જેને લઈ ચકલીઓને આશરો આપવામાં નિમિત્ત બન્યા છે.
ભુજના માધાપર ખાતે આવેલા એક રહેણાંક વિસ્તારમાં વર્ષો જૂના બોરડીના ઝાડ ઉપર મોટી સંખ્યામાં ચકલીઓ છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતી હતી. પરંતુ રહેણાંક વિસ્તારના પ્લોટમાં બાંધકામમાં નડતર રૂપ બોરડીના ઝાડને તે સ્થળેથી દૂર કરી દેવામાં આવતાં, એક હજારથી પણ વધુ ચકલીઓ પોતાના ઘરથી બેઘર થઇ હતી. આ અંગે જીવદયા પ્રેમી ભાવિક ચૌહાણે જણાવ્યું હતું કે, સવારે કલબલાટ કરતા પંખીઓએ પોતાનું ઘર છોડ્યું અને સાંજે પરત આવતા બેઘર બની ગયેલા વ્યાકુળ ચકલીઓને પક્ષી પ્રેમીઓએ નવો વિસામો આપીને આશરો આપવાનો પ્રયત્ન કર્યો હતો.
આ માટે મૈત્રીભાવ ગ્રુપની ટીમ સ્પેરોને આ બાબત ધ્યાનમાં આવતાં, કૂકમાના આ ગ્રુપ અને ભુજના લેટ્સ સેવ એનિમલ ગ્રુપના યુવાન મિત્રોએ સાથે મળીને બેઘર બનેલા પક્ષીઓને ઘર તેમજ ચણ મળી રહે તે હેતુથી, આસપાસના વિસ્તારમાં ઘરે ઘરે જઈને 500થી પણ વધુ ચકલી ઘર અને પક્ષીઓને ચણ માટે પ્લેટનું નિઃશુલ્ક વિતરણ કરી અનોખી જીવદયા કરી હતી, અને લોકોને પોતાના રહેણાંક વિસ્તારમાં ચકલીઓને રહેઠાણ પૂરું પાડવા માટે અપીલ પણ કરી હતી.
ઘણા બધા ઘરોમાં આ યુવાઓએ જાતે ચકલી ઘર અને ચણ માટેની પ્લેટ લગાવીને તાત્કાલિક ધોરણે પ્રયાસો હાથ ધર્યા હતા. આ સેવા કાર્યમાં શાળા કોલેજના યુવાનોએ શૈક્ષણિક અભ્યાસની વચ્ચે સમય કાઢીને આ કાર્ય હાથ ધર્યું છે. આ કાર્યમાં કુકમાના સેવ સ્પેરો કેમ્પેઈન ગ્રુપ અને ભુજના લેટસ સેવ એનિમલ ગ્રુપના ભાવિક ચૌહાણ, જીગર વરું, પ્રીત ચૌહાણ, રાજન પરમાર, શિવમ પોમલ, આદિત્ય ચૌહાણ, સાકીબ લાડકા, જીગર ભાઈ, ઉર્મીબેન, વિવેકરાજ વગેરે સેવાના કાર્યમાં જોડાયા હોવાનું નાના અંગીયના બાદલ જોશીએ જણાવ્યું હતું.
કોલેજ અને શાળામાં અભ્યાસ કરતા યુવાનો અભ્યાસની સાથે સેવા પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. આ યુવાનોમાં ઇજનેર, ડોક્ટર, તથા અન્ય વ્યવસાયકારો, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પણ સેવા આપી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.