નવતર વિરોધ:ભુજમાં કિશાન સંઘે પોતાની માંગણીઓ પુરી કરવા મંદિરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની માગ નહી સ્વીકારાય તો સતાપક્ષના ધારાસભ્યોના ઘર સામે ધરણાં કરીશુંઃ કિશાન સંઘ

ગુજરાત સરકાર દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના પ્રાંતમાં ખેડૂતોને અલગ દરે વીજ પુરવઠો અપાય છે. જેના વિરોધમાં ગાંધીનગર ખાતે રાજ્યભરના કિશાનો દ્વારા હાલ અચોક્કસ મુદ્દતની લડત શરૂ કરવામાં આવી છે. આ ધરણાં પ્રદર્શનને એક સાપ્તાહથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં સરકાર તરફી કોઈ જ પ્રતિક્રિયા ના મળતા ગઈકાલે કચ્છ કિશાન સંઘ દ્વારા ભચાઉના વોન્ધ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા ખાતરી સિવાય કોઈ સચોટ પરિણામ ના લવાતા અંતે આજે ભગવાન બલરામ જયંતિ પ્રસંગે ભુજમાં કિશાન સંઘે સરકાર વિરોધી ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

ભગવાન બલરામની જન્મ જયંતિ પ્રસંગે બેઠક મળી
આ વિશે કચ્છ કિશાન સંઘના પ્રમુખ શિવજીભાઈ આહિર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને ગુજરાતમાં સમાન દરે વીજળી આપવા સહિતના અનેક પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી છે. આ માટે વિવિધ પ્રકારના આંદોલન પણ કરી જોયા છતાં સરકારની નિંદ્રા ઊડતી નથી. તેથી આજે ભુજના કલ્યાનેશ્વર મહાદેવ મંદિર ખાતે મળેલી બેઠક દરમિયાન ખાસ ધૂન બનાવી સર્વે ખેડૂત ભાઈઓ સાથે બોલવામાં આવી હતી. રામધૂન સાથે ભગવાન પાસે સરકારને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
જિલ્લાના કિશાન અગ્રણીઓ હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે, આજે ભગવાન બલરામની જન્મ જયંતિ પ્રસંગે જિલ્લાના તમામ તાલુકામાં કિશાન સંઘ દ્વારા તેમના માનમાં બેઠક યોજાઇ હતી. ભુજમાં પણ કચ્છ કિશાન સંઘની આગેવાનીમાં ભુજના કલ્યાનેશ્વર મહાદેવ મંદિર ખાતે મળેલી બેઠક મળી હતી. આ વેળાએ જિલ્લા પ્રમુખ સાથે સંઘના તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ, રવજીભાઈ ચાવડા, મોહનભાઇ પટેલ વગેરે આગેવાનો સાથે ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. અને અગ્રણીઓએ સરકાર દ્વારા તાકીદે કોઈ માંગ સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં જિલ્લાના તમામ સતાપક્ષના ધારાસભ્યોના ઘર સામે ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...