આજના આધુનિક સમયમાં દીકરી પુરુષની સમોવડી બની રહી છે નારી હવે અબળાને બદલે સબળા બની દરેક ક્ષેત્રમાં પુરુષને ટક્કર આપી રહી છે ત્યારે ‘દીકરી એ સાપનો ભારો’ એ કહેવતને ભૂતકાળ બનાવી આજના સમયમાં ‘દીકરી બાપનો સહારો’ એ નવી કહેવતને યથાર્થ કરતો પ્રસંગ બન્યો. ભુજના વાલદાસ નગર ખાતે રવિવારે એક દુઃખદ ઘટના બની હતી.
જેમાં અહી રહેતા માવજીભાઈ ગોવિંદભાઈ ચાવડા વય મર્યાદાને કારણે અવસાન પામ્યા હતા અને અંતિમ સમયમાં તેમના પરિવારમાં પુત્ર ન હોવાને કારણે તેમની જ પાંચ દીકરીઓએ તેમના પિતાની સેવા તો કરી પરંતુ અંતિમ વિધિમાં પોતાના સામાજિક રિવાજોને તિલાંજલિ આપતા કાંધ આપી સ્મશાન ખાતે અંતિમ મંઝિલ પણ પહોંચાડ્યા હતા.
સિદ્ધપુરિયા બારશાખ રાજપૂત સમાજ અને અન્ય સમાજને રાહ ચીંધતી ઘટના મુજબ માવજીભાઈ નું તારીખ આઠ એપ્રિલના ના રોજ અવસાન થતાં તેમને દીકરો ન હોવાને કારણે તેમની દીકરીઓ પુષ્પાબેન, ભદ્રાબેન, ભાવનાબેન, કલ્પાબેન અને સ્વાતિબેન દ્વારા તેમના પિતાને કાંધ આપવામાં આવી હતી, ત્યારે પાષાણ હૃદયના માનવીનું કાળજું પણ કંપી ઉઠ્યું હતું અને હાજર રહેલા સૌ જ્ઞાતિજનો બોલી ઉઠ્યા હતા કે શાબાશ ‘દીકરી તુલસીનો ક્યારો અને દીકરી બાપનો સહારો’ આ પાંચેય દીકરીઓ તેમના પિતાની અર્થીને કાંધ આપી તેમના નશ્વર દેહને ખારીનદીસ્મશાન ભુજ પહોંચાડ્યો હતો. જ્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી આમ સમાજને રાહ ચીંધતો અને સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપતો આ કિસ્સો સમાજમાં બદલાવ બતાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.