સેવાકાર્ય:ભચાઉના સામખીયાળીમાં સેવાભાવીએ આમ તેમ ભટકી રહેલા વૃદ્ધને સહાયભૂત બની આશ્રયસ્થાને પહોંચાડ્યો

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામખીયાળીથી મોરબી તરફના ધોરીમાર્ગ નજીક ખેતરમાં એક વૃદ્ધ અતિ દયનિય સ્થિતિમાં મળી આવ્યાં હતા

ભચાઉ તાલુકાના સામખીયાળી ગામના દયારામ મારાજ દ્વારા વધુ એક જ્યાં ત્યા ભટકી રહેલા વ્યક્તિને સહાયભૂત બની આશ્રયસ્થાને પહોંચાડયો હતો. સેવાભાવી છેલ્લા ઘણા વર્ષોથી ભટકેલા વ્યક્તિઓની સુશ્રુશા કરી મદદરૂપ થતા રહે છે. ગઈકાલે પણ ગામથી દૂર ખેતરમાં મળી આવેલા એક વૃદ્ધ વ્યક્તિને અન્ય સહયોગીઓની મદદ વડે સાર સંભાળ લઈ આશ્રય સ્થાને પહોંચાડયો હતો.

વૃદ્ધને સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવ્યાં
ગઈકાલે સામખીયાળીથી ચાર કિલોમીટર દૂર મોરબી તરફના ધોરીમાર્ગ નજીક ખેતરમાં એક વૃદ્ધ વ્યક્તિ અતિ દયનિય સ્થિતિમાં મળી આવ્યા હતા. અહીંથી પસાર થતા કાનજી પેથા આહીર અને દામજી લાખા અહિરને આ વૃદ્ધ વ્યક્તિ જોવા મળ્યો હતો. આ વિશેની જાણ તેઓએ સેવાભાવી દયારામ મારાજને કરી હતી. જેના પગલે સેવાભાવી તુરંત અશક્ત અને ભટકેલા વૃદ્ધ પાસે દોડી ગયા હતા અને વૃદ્ધની સુસૃશા કરી હતી. બાદમાં કાર મારફતે ગામમાં લઈ ગયા હતા અને વૃદ્ધને સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવી ચા નાસ્તો કરાવ્યો હતો.
વૃદ્ધને ભચાઉ મધર ટેરેસા આશ્રમ ખાતે આશ્રય અપાવ્યો
સામખીયાળી પાસે આવી ચડેલા વૃદ્ધ બાદમાં સ્વસ્થ થતા પોતે મહારાષ્ટ્રના શંકર હરિષચદ્ર નાયક હોવાનું જણાવ્યું હતું. આ વિશેની જાણ પોલીસમાં નોંધાવ્યા બાદ વૃદ્ધને ભચાઉ મધર ટેરેસા આશ્રમ ખાતે પહોંચાડી આશ્રય અપાવ્યો હતો. આશ્રમમાંથી છુટા પડતા પૂર્વે વૃદ્ધે સેવાભાવી દયારામ મારાજને હર્ષાશુ સાથે નમન કરતા લાગણીસભર દ્રષ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...