નશાખોરે દોડતા કર્યા:ભચાઉમાં નશામાં ધૂત શખ્સે 15 કિલોમીટર સુધી બસને ભગાડી મુકી, લોકોએ જીવના જોખમે પાછળ દોડ લગાવી ઝડપ્યો

કચ્છ (ભુજ )5 દિવસ પહેલા
  • સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નથી

પખવાડિયા પૂર્વે ભુજમાં ખાનગી બસ લઈ જઈ ભાગી જવાના બનાવ બાદ આજે ભચાઉમાં પણ આજ પ્રકારની ઘટના બની છે. જ્યાં એક શખસે ખાનગી મીની લકઝરી બસ ચાલુ કરીને ભગાડી મૂકતા બસ ચાલક સહિતના લોકોમાં ભાગદોડ મચી હતી. ધુની મગજના ઇસમે નગરના વથાણચોકમાં ઉભેલી બસને ચાલુ કરી દુધઈ માર્ગે દોડાવી મૂકી હતી. જેને બાદમાં ભચાઉથી 15 કિલોમીટર દૂર કબરાઉ ગામ પાસે લોકોએ બસ રોકી ઝડપી પાડ્યો હતો.

શખસે નશો કર્યો હોવાનું સામે આવ્યું
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ ભચાઉના વથાણ ચોકમાં ઉભેલી ખાનગી મીની બસને સવારે 8 વાગ્યાની આસપાસ એક શખસ ચાલુ કરીને દુધઈ માર્ગ પર લઈ ગયો હતો. બનાવની જાણ થતાં બસ ચાલક સહિતના લોકોએ બસનો પીછો કરી કબરાઉ પાસે બસને રોકાવી હતી. જ્યાં બસમાં સવાર શખસને નીચે ઉતારી પકડી પાડ્યો હતો. પકડાયેલા શખસે નશો કર્યો હોવાનું પણ માલુમ પડ્યું હતું. જોકે, ક્યાં કારણોસર તેણે બસને ભગાડી હતી તે તપાસનો વિષય છે. સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નથી.

ભચાઉમા વાહન હંકારી જવાયાનો આ ત્રીજો બનાવ
ઉલ્લેખનીય છે કે, ભચાઉમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વાહન લઈ ભગાડી જવાનો આ ત્રીજો કિસ્સો છે. આ પૂર્વે 108 એમ્બ્યુલન્સ ચલાવી મૂકી અકસ્માત સર્જયો હતો. તો એસટી વર્કશોપમાંથી પણ બસ લઈ જઈ નુકસાન પહોંચાડ્યાની ઘટના બની છે. ભુજમાં પણ આજ પ્રકારે એક શખ્સે મીની ખાનગી બસ હંકારી દેતા જાનમાલને નુકસાન પહોચાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...