સ્પેશ્યલ ડ્રાઇવ:ઓગસ્ટમાં 15 મીઠાઈ અને 6 ફરાળી સહિત 33 ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારો અને શ્રાવણ માસના અનુસંધાને સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઇ હતી
  • લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા : રિપોર્ટ આવ્યા બાદ થશે કાર્યવાહી

તહેવારો અને શ્રાવણ માસ અન્વયે ફરાળી સાથે મીઠાઈનું વેચાણ વધી જાય છે પરંતુ ઘણા વેપારીઓ દ્વારા નિયમોનો ભંગ કરી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય તે રીતે ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે.ફરિયાદો વચ્ચે જિલ્લા ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં 33 વસ્તુઓ ખાવાલાયક ન જણાઈ આવતા તેના નમુના લઈ તપાસણી માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહી તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત કામગીરી કરવામાં આવે છે.તહેવારો અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કચ્છમાં વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.તેની માહિતી આપતા જિલ્લા ફૂડ અધિકારી અમિત પટેલ જણાવે છે કે, રક્ષાબંધન દરમ્યાન વરખવાળી અને વરખ વગરની મીઠાઈ તેમજ શ્રાવણ દરમ્યાન ફરાળી વસ્તુઓના સેમ્પલ અલગ અલગ ટીમો દ્વારા લેવામાં આવ્યા હતા.

જેમાં 15 મીઠાઈ,6 ફરાળી વસ્તુઓ તેમજ અન્ય ખાદ્યપદાર્થ મળી કુલ 33 વસ્તુઓના સેમ્પલ સરકારી લેબમાં મોકલવામાં આવ્યા છે.આ સિવાય ભુજમાં સાતમ-આઠમના મેળામાં 27 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.આગામી સમયમાં મોટા યક્ષ સહિતના મેળા આવી રહ્યા છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, તહેવારો દરમિયાન લોકોને સ્વસ્થ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ચેકીંગ, સેમ્પ્લીંગ તથા સર્વેલેન્સ કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...