અંજાર તાલુકાના ભુજ માર્ગે આવેલા નવી દુધઈ(ઇન્દ્રપ્રસ્થ) ગામના આંબેડકર નગર વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગટરનાં પાણી જાહેર માર્ગ પર રેલાઈ રહ્યાં છે. જેના કારણે અહીંના રહેવાસીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. ગ્રામજનોના કહેવા અનુસાર કીદવય નગરમાં ઉભરાતી ગટરનાં પાણી આંબેડકર નગર સુધી પહોંચી રહ્યા છે. અતિ દુર્ગંધ મારતા પાણીના કારણે પસાર થવું પણ ભારે મુશ્કેલ બન્યું છે. માખી-મચ્છરનો પણ ઉપદ્રવ વધી જતાં બીમારીનો ભય સતાવી રહ્યો છે. રાત્રે ઘરના આંગણામાં પણ સુઈ નથી શકાતું. જેથી સ્થાનિક પંચાયત યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.
2001ના ભૂકંપ બાદ દુધઈ ગામમાંથી અસ્તિત્વમાં આવેલા નવી દુધઈ(ઇન્દ્રપ્રસ્થ) ગામના લોકો ગટરનાં ઉભરાતાં પાણી મુદ્દે હાલાકી ભોગવી રહ્યાં છે. ગામના આંબેડકર નગર ખાતે આ પ્રશ્ન માથાના દુઃખાવા સમાન બની ગયો છે. આ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગ્રામ પંચાયત અને સરપંચને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ દાદ આપવામાં ન આવી હોવાનું જગાભાઇ રબારીએ જણાવ્યું હતું. જેથી તંત્ર વહેલાસર પ્રશ્નનો ઉકેલ લાવે તેવી માંગ રહેવાસીઓએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.