કચ્છ જિલ્લામાં હાલ રબારી સમાજના ધર્મ ગુરુ અને દુધઈ વડવાળા મંદિરના ગાદીપતિ મહંત ધર્મધુરંધર 1008 મેઘમંડલેશ્વર રામબાલકદાસ બાપુ ઢેબર રબારી સમાજના લોકોના ઘરે ઘરે પહોંચી પગલાં કરી રહ્યા છે. સામાજિક રીત રિવાજ મુજબ આ ધાર્મિક પ્રક્રિયા હાલ અલગ-અલગ ગામમાં યોજાઈ રહી છે. જેમાં રબારી સમાજના લોકો ગુરુદેવને સત્કારવા પુરા ભાવ સાથે પ્રયાસો કરતા હોય છે. ત્યારે અંજાર તાલુકાના મિંદીયાળા ગામમાં પોતાના ઘરે પધરામણી પ્રસંગે રબારી ભાવનાબેન વનાભાઈ નામની યુવતી દ્વારા ઘરના પ્રાંગળમાં બાપુની આબેહૂબ પોટ્રેટ રંગોળી બનાવી બાપુને સત્કારવા પોતાનો અનોખો ભાવ વ્યક્ત કર્યો હતો. બાપુએ પણ આ રંગોળી જોઈ પ્રભાવિત થયા હતા અને પરિવારને શુભ આશિષ પાઠવ્યા હતા.
કચ્છમાં વસવાટ કરતા અને મોટા ભાગે ઘેટાં બકરાના માલ સાથે વિચરણ કરતા વિચરતી જાતિના ઢેબર રબારી સમાજના લોકો પોતાના ધર્મ અને ધર્મ ગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આસ્થા મુજબ માનતા પ્રમાણે પ્રથમ જન્મેલા પુત્રને પરિવાર ગુરુની નિશ્રામાં દાન કરી આપે છે. જ્યાં યુવા વય સુધી સારા શિક્ષણ સહિતની જવાબદારી દુધઈ મંદિર દ્વારા ઉઠાવવામાં આવે છે. આ પ્રકારની અતૂટ ભાવ ધરાવતા રબારી સમાજના લોકોના ઘરે હાલ બાલકદાસ બાપુ ઘરે-ઘરે પહોંચી પગલાં કરી આશિષ આપવા જઈ રહ્યા છે. આ દરમિયાન અંજાર તાલુકાના મિંદીયાળા ગામે સમાજના પરિવારના ઘરે જતા, તેમના આગમન પૂર્વે ભાવનાબેન દ્વારા તેમની પ્રતિકૃતિ રંગોળીમાં દર્શાવી સત્કાર ભાવ પ્રગટ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.