કચ્છમાં ચૂંટણીને લીધે રાજકીય ગમાવો અાવી ગયો છે. સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કચ્છની 6 સીટો પર ફોર્મ ફરવા માટે ઉમેદવારોનો રાફોડો ફાટ્યો હતો. અંજારમાં મુખ્ય પક્ષોઅે સોમવારે જ ફોર્મ ભર્યા હતાં. જોકે સોમવારે શહેરના લોકો રીતસર બાનમાં લેવાયા હતાં. કારણ કે મુખ્ય રાજકીય પક્ષોના સમર્થકો મોટી સંખ્યામાં શહેરમાં અાવતા ભારે ટ્રાફિક જામ થયો હતો. સવારથી બપોર સુધી વિવિધ માર્ગો પર લોકોઅે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
અા અંગે મળતી વિગતો મુજબ અંજારમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોઅે સોમવારે ફોર્મ ભર્યું હતું. અા પ્રસંગે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સભ્યો અને ટેકેદારો મોટી સંખ્યામાં શહેરમાં અાવી પહોંચ્યા હતાં. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમર્થકો અાવી જતા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોના રીતસર થપ્પા લાગ્યા હતાં. ગંગા નાકા, વરસામેડી નાકા, પ્રાંત કચેરી સહિતના માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો વ્યવસ્થા હલ કરવા મથી રહ્યા હતા. પરંતુ વાહનોની સંખ્યા જ અેટલી વધી ગઇ હતી કે તેઅો પણ અસમર્થ જણાતા હતાં. તેમાં પણ માર્ગોની સાઇડમાં અાડેધડ વાહનો પાર્ક કરાતા સમસ્યામાં વધારો થયો હતો.
અા બધાની વચ્ચે શહેરના સામાન્ય નાગરિકો અને વાહનચાલકો પરેશાન થયા હતાં. લોકોને મિનિટો સુધી ટ્રાફિકમાં ફસાવાનો વારો અાવ્યો હતો. અાવ-જાવ કરતી અેસટી બસો પણ ટ્રાફિકમાં અટવાઇ હતી. ટ્રાફિકથી બચવાના વૈકલ્પિક માર્ગો પર પણ ટ્રાફિક જામ થયો હતો ! બપોર સુધી અાવી અવ્યવસ્થા રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.