તંત્રની બેદરકારીને લીધે લોકોને હાલાકી:આદિપુરમાં ઠેર ઠેર ગટરના પાણી રેલાતાં લોકો પરેશાન, હવે કોલેજ સર્કલ પાસે ગટરનાં પાણી ઉભરાયાં

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો
  • તાકીદે ગટરોની યોગ્ય અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના જોડિયા શહેર આદિપુરમાં ગટરના પાણી માર્ગો પર ઉભરાઈને રેલાઈ રહ્યાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રેલાતા ગટરનાં પાણીથી સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યાની ફરિયાદ ઉઠી છે. આજે ગુરૂવારે શહેરના કોલેજ સર્કલ પાસે ગટરની ગંભીર સમસ્યા ઉદ્દભવી છે. અહીં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી આ સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયા છે. ત્યારે આજે ફરી ગટરનાં પાણી ઉભરાતા લોકો તેમજ વાહનચાલકોને નાછૂટકે ગંદાપાણીમાંથી અવરજવર કરવાની ફરજ પડી છે. આ મામલે અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે.

આદિપુરના સતત વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા કોલેજ રોડ પર ગટરના પાણી ભરાઈ જતાં અંજાર તેમજ મેઘપર બોરીચીથી ગાંધીધામ જતા લોકોને આવા દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ પાણી ઉભરાઈ આખો દિવસ દુર્ગંધ મારતું હોવાથી અહીંના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ગટરના દૂષિત જમા થયેલા પાણીને કારણે આ વિસ્તારમાં કોઈ રોગચાળો ફેલાવાની પણ સ્થાનિક રહીશોને સતત ચિંતા સતાવી રહી છે. ત્યારે આ વિસ્તારમાં તાકીદે ગટરોની યોગ્ય અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...