સ્મૃતિવન:50 દિવસમાં 1 લાખ મુલાકાતીઓએ માણ્યું 30000 પ્રવાસીઓએ ભૂકંપ સંગ્રહાલય નિહાળ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સન પોઇન્ટ અને મ્યુઝિયમ સુધી જવા માટે ઈલેક્ટ્રિક કાર્ટ વ્યવસ્થાની લોક લાગણી

ગત 28 ઓગસ્ટ ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા સ્મૃતિવન પ્રોજેક્ટને પ્રવાસીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. દિવાળી વેકેશન દરમિયાન ગુજરાત અને રાજ્ય બહારથી કચ્છ આવતા પ્રવાસીઓએ સ્મૃતિવનની મુલાકાત લીધી છે. ગુજરાત આપાતકાલીન વ્યવસ્થા સત્તા મંડળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 23 સપ્ટેમ્બર થી આજ સુધી 50 દિવસમાં એક લાખ મુલાકાતીઓએ સ્મૃતિવનની મુલાકાત લીધી છે, જેમાંથી 30 હજાર લોકોએ ભૂકંપ સંગ્રહાલય નિહાળ્યું છે.

છેલ્લા છ મહિનાથી ચર્ચાનો વિષય બનેલા તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સ્મૃતિવન લોકાર્પિત કરવા માટે રાત દિવસ કામ કરવામાં આવ્યું અને અંતે 28 ઓગસ્ટના લોકાર્પણ કરવામાં આવ્યું.જો કે કામગીરીમાં થોડી અધુરાશ હોવાને કારણે 25 દિવસ બાદ એટલે કે 23 સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયું. નવરાત્રી તેમજ દિવાળી વેકેશનની રજાઓ દરમિયાન કચ્છ પ્રવાસે ઉમટી પડતા ટુરિસ્ટને સફેદ રણ, માંડવી બીચ જેવા ફરવાના સ્થળ ઉપરાંત વધુ એક આકર્ષણ સ્મૃતિવન માણવાનો મોકો મળ્યો.

સ્મૃતિવન સ્થિત સન પોઇન્ટ તેમજ પાથ વે અને ભુજીયા ડુંગરની હરિયાળી માણવા માટે એક લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. તો આ પ્રવાસીઓમાંથી 30 હજાર જેટલા લોકોએ ભૂકંપ સંગ્રહાલયની અદ્યતન ટેકનોલોજી સાથે નિર્મિત વિવિધ ગેલેરીઓની મુલાકાત લઈ માહિતી મેળવી. પ્રવાસીઓ દ્વારા આ દિવસો દરમિયાન એક એવી લાગણી પણ વ્યક્ત કરાઈ કે, સ્મૃતિવનમાં પાર્કિંગથી સન પોઇન્ટ તેમજ સંગ્રહાલય સુધી જવા માટેનું અંતર વધુ હોવાથી ઈલેક્ટ્રીક કાર્ટ હોવી જરૂરી છે. સિનિયર સિટીઝન, મહિલાઓ તેમજ બાળકોને આ બંને જગ્યાએ જવું દુશ્કર બને છે.

આગામી બે મહિનામાં યોજાશે વધુ બે ઇવેન્ટ
સ્મૃતિવનની વધુને વધુ લોકો મુલાકાત લે તે માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા. ધનતેરસના હજારો દીપ પ્રગટાવી દિપોત્સવ મનાવવામાં આવ્યો હતો, 29 ઓક્ટોબરે હ્યુમન ચેઈન બનાવી, ફન એન્ડ ફિટનેસ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આગામી બે મહિનામાં વધુ મોટી ઇવેન્ટ થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. તો 26મી જાન્યુઆરી અગાઉ પણ ધરતીકંપના સંદર્ભે કોઈક મહત્વનું આયોજન થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...