• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In 1975, The BJP Was Formed From The Jana Sangh In Kutch, With Suresh Mehta Being The First Non Congress Candidate To Be Elected From The Mandvi Seat.

ચૂંટણી જો ચક્કર વિધાનસભા-2022:1975માં કચ્છમાં જનસંઘથી ભાજપનો પાયો પડ્યો, માંડવી બેઠક પરથી સૌપ્રથમ બિન કોંગ્રેસી ઉમેદવાર તરીકે સુરેશ મહેતા ચૂંટાયા હતા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1980માં ભાજપની સ્થાપનાના વર્ષમાં બાબુભાઇ શાહ રાપર બેઠક ભાજપમાંથી જીત્યા હતા

એક તરફ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક જીતીને વિધાનસભામાં ભાજપ રાજ કરવાની પેરવી કરી રહ્યું છે અને બીજી બાજુ મુખ્ય રાષ્ટ્રીય પક્ષ ભારતીય કોંગ્રેસ ઉપરાંત નવા પક્ષો આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમ પણ ડિસેમ્બરની આવનારી ચૂંટણીમાં જોર લગાવી રહી છે ત્યારે સ્થાપનાકાળથી દોઢ દાયકા સુધી કોંગ્રેસ શાસિત રહેતા કચ્છમાં ભારતીય જનસંઘે પોતાનું ખાતું માંડવી બેઠકરુપે ખોલાવ્યું હતું ત્યારબાદ આ પક્ષ ભારતીય જનતા પક્ષમાં ફેરવાયો હતો. સુરેશચંદ્ર રૂપશંકર મહેતાએ 1975ની સામાન્ય ચૂંટણીમાં જનસંઘના ખોળામાં કચ્છની પ્રથમ બેઠક આપી હતી.

ત્યારબાદ ભાજપમાંથી સતત લડતા રહેલા મહેતા મુખ્યમંત્રીના મોભાદાર પદ સુધી પહોંચ્યા હતા. જોકે 1980માં ભાજપની સ્થાપના થયા બાદ કચ્છમાં ભાજપમાંથી પ્રથમ જીતનાર રાપર બેઠકના ઉમેદવાર બાબુભાઇ મેઘજી શાહ રહ્યા હતા. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રાજ્ય સરકાર બની હતી. દોઢ દાયકા સુધી બહુમતિ બાદ જનતાદળ, સ્વતંત્ર પક્ષ સહિતના ઉમેદવારોએ નસીબ અજમાવ્યા હતા અને રાજકીય વિજય પણ મેળવ્યો હતો. જોકે ભારતીય જનસંઘ રાજકીય જંગમાં ઉતર્યા બાદ રાજ્યમાં જૂજ બેઠકો મળવા લાગી હતી.

આવામાં 1975માં અખિલ ભારતીય જનસંઘમાંથી સુરેશચંદ્ર રૂપશંકર મહેતાને ઉમેદવારી કરવાન તક મળી હતી અને તેમણે તેમના નજીકના હરિફ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નલિની દસ્તુરને 10.80 ટકા મતોની બહુમતિથી હરાવ્યા હતા અને કોંગ્રેસનો વિજયરથ કચ્છમાં રોક્યો હતો. તો, 1980ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના મેન્ડેટ ઉપર રાપર મત વિસ્તારમાંથી જંગમાં ઉતરેલા બાબુભાઇ મેઘજી શાહને ઇન્દિરા કોંગ્રેસના હરિલાલ નાનજી પટેલને હરાવી કમળના પ્રતીક તળે પહેલો વિજય મેળવ્યો હતો.

રાજ્યમાં જે પક્ષની સત્તા હોય તેની સાથે ચાલતા મતદારોએ લોકપ્રતિનિધિત્વના સત્તા પરિવર્તનની શરૂઆત 1975માં કર્યા બાદ 1980માં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને કચ્છની તમામ છ બેઠક ઉપર વારાફરતી તક આપી હતી. 1990માં બદલાયેલા રાજકીય વાતાવરણમાં કચ્છના મતદારોએ પણ પરિવર્તન દર્શાવ્યું હતું. કચ્છની છ બેઠક પૈકી માંડવી, અબડાસા, ભુજ અને અંજાર આ ચાર બેઠક ઉપર ભાજપે બહુમતિભેર વિજય મેળવ્યો હતો. આ તમામ બેઠકોમાં અગાઉ કોંગ્રેસનું વર્ચસ્વ રહેતું આવ્યું હતું.

તબક્કાવાર રાજકીય સમીકરણો બદલતા ગયા અને ભાજપના કાર્યકરોનો વ્યાપ પણ વધતો ગયો જે મતવિસ્તારની બેઠકોમાં પરિણમવા લાગ્યો હતો. કચ્છના મતદારોની તાસીર થઇ ગઇ હોય તેમ માનીએ તો આ જિલ્લામાં 1995 પછી સતત ભાજપ છવાયેલો રહ્યો છે. વર્ષ 2001ના ભૂકંપના ઓછાયામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના છમાંથી ચાર ઉમેદવારોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો અને માંડવીમાંથી પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતાને પણ હાર ખમવી પડી હતી. જોકે તેમાં ભાજપનો રાજકીય જૂથવાદ નકારાયો ન હતો અને ભૂકંપ બાદની અરાજકતા પણ સામેલ હતી.

મુન્દ્રાના મતદારોએ એક જ ઉમેદવારને સતત ત્રણ વખત ચૂંટ્યા છે
કચ્છની છ બેઠકો પૈકીની માંડવી અને મુન્દ્રા બેઠક 2012 પહેલાં જ્યારે અલગ અલગ બેઠક હતી ત્યારે ત્યાંના ભાજપી ઉમેદવારને સતત ત્રણ વખત ચૂંટીને ધારાસભામાં મોકલ્યા હતા. વર્ષ 1985, 1990,1995 અને 98માં માંડવીથી સુરેશભાઇ મહેતા સતત વિજયી બનતા રહ્યા હતા. જેમનો વિજયરથ 2002માં રોકાઇ ગયો હતો. તો મુન્દ્રા બેઠક ઉપર પરબત માયાભાઇ સોધમ 1990, 1995 અને 1998માં સતત ત્રણ વખત જીત્યા હતા. કચ્છની અન્ય બેઠકો ઉપર એકના એક ઉમેદવારો જંગ જીતતા આવ્યા છે પણ સતત ચૂંટાયા હોય તેવા માત્ર બે ઉમેદવાર નોંધાયા છે. લોકસભાની સામાન્ય બેઠક હતી ત્યારે લગલગાટ વિજયનો યશ પુષ્પદાન ગઢવીને જાય છે.

અન્ય સમાચારો પણ છે...