મીઠાનું ગેરકાયદે ખનન:કડોલના રક્ષિત વન અભયારણ્યમાં જંગલખાતાની મીઠીનજર હેઠળ મીઠાનું ગેરકાયદે ખનન વેગવાન

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે પ્રવૃતિ કરતા ઈસમોને છુટોદોર આપવા સીમાડાના રસ્તા અભયારણ્ય હેઠળ બંધ કરાયાનો આક્ષેપ
  • ખેતીલાયક જમીનો ક્ષારવાળી બની,તળાવોના પાણી મીઠાના ક્ષારના કારણે પીવાલાયક રહ્યા નથી

ભચાઉ તાલુકાના કડોલના અભયારણ્યમાં વનવિભાગની મીઠીનજર હેઠળ મીઠાનું ગેરકાયદે ખનન થતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કરી વનવિભાગ સામે કાર્યવાહીની માગણી કરી છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, તાલુકાના કડોલ, ચોબારી ગામની સીમના ટ્ર્ાવર્સના સર્વે નંબરોનો વિસ્તાર વન્યપ્રાણી ધારાની કલમ 18 હેઠળ કચ્છ વન્ય પ્રાણી અભ્યારણ તરીકે જાહેર કરાયો છે. જે મુજબ આ વિસ્તારમાં બિનજંગલ પ્રવૃતિઓ પર સખત પ્રતિબંધ છે તેમ છતાં જિલ્લા તંત્રે સોલ્ટ ઉત્પાદન માટે ખાનગી ઈસમોને લીઝમાં અભ્યારણની જમીનો મંજૂર કરી આપી હતી.

જેથી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે અદાલતે પણ આ અભ્યારણ વિસ્તારમાંથી મીઠા ઉત્પાદનની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મુકવા હુકમ કર્યો હતો તેમજ મીઠા ઉત્પાદનની લીઝની માંગણીઓ નામંજૂર કરી હતી. અહીં દબાણ દૂર કરવાનો આદેશ હોવા છતાં ખુદ વનવિભાગે 10 થી 15 કિ.મી. વિસ્તારમાં મીઠા ઉત્પાદનની પ્રવૃતિને ગેરકાયદે પ્રોત્સાહન આપ્યું હોવાના આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે. કડોલ નજીક રણ વિસ્તારના અભ્યારણમાં આ બેફામ મીઠા ઉત્પાદનની પ્રવૃતિને કારણે ખેતીલાયક જમીનો ક્ષારવાળી થઈ છે.

તળાવોના પાણી મીઠાના ક્ષારના કારણે પીવાલાયક રહ્યા નથી. તેમજ સીમાડાના રસ્તા પણ અભ્યારણ હેઠળ વનખાતાના અધિકારીઓએ બંધ કરતા અને માત્ર મીઠા ઉત્પાદનની ગેરકાયદે પ્રવૃતિ કરતા ઈસમોને પોતાની દેખરેખ હેઠળ છુટોદોર મળ્યો છે. આવા આક્ષેપ સાથે કડોલના ગ્રામજનો મેરામણ ગણેશા બારેચા, રણછોડ કરશન વરચંદ, લાલા ભચુ ઢીલા, બેચરા કરશન બારેચા,સામજી સાજણ ડાંગર સહિત દ્વારા વનવિભાગ અને જિલ્લા કલેકટરને ઉદેશીને પત્ર લખી કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

5 દિવસમાં કાર્યવાહી નહિ તો વનખાતાના અધિકારીઓ સામે હાઇકોર્ટમાં અરજી કરાશે
મુખ્ય વન સંરક્ષક, વન વર્તુળ ભુજના નિયંત્રણ હેઠળના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર મીઠા ઉત્પાદનની પ્રવૃતિ બેફામ થઈ રહી હોવાના આક્ષેપ સાથે જો 5 દિવસમાં આ પ્રવૃતિ પર નિયંત્રણ લાવવામાં નહિ આવે તો વનખાતાના અધિકારીઓ વિરૂધ્ધ અભ્યારણમાં ગેરકાયદે પ્રવૃતિ કરવા સબબ ગુનો દાખલ કરવા અને વનખાતાની ફરજમાંથી દૂર કરવા હાઈકોર્ટમાં પૂરાવા સાથે જાહેરહીતની અરજી કરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

હાઇકોર્ટના આદેશની અવહેલના
દબાણ દૂર કરવાનો હાઇકોર્ટનો આદેશ હોવા છતાં વનખાતાના ઉચ્ચ અધિકારીઓએ હુકમનો અમલ કરવાને બદલે એક સામાન્ય કાગળ તરીકે કચરામાં ફેંકી દઈ અપરાધ કર્યો છે.15 થી 20 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં મીઠા ઉત્પાદનની બેફામ પ્રવૃતિ વનખાતાના ધ્યાને ન આવે તે તરફ પણ અંગુલીનિર્દેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...