પાણીનો સંગ્રહ કરવા આયોજન:રાપર પાસેના કંધુકા ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવે તો પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા બીજા એક તળાવની સફાઇ કરી તેમાં પાણીનો સંગ્રહ કરવા આયોજન કરી રહી છે

રાપર તેમજ આજુબાજુના ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવો હોય તો કંધૂકા ડેમમા નર્મદાના પાણી ભરવા રજુઆત કરવી જોઈએ તેવું અનુભવી અને નિવૃત્ત ઇજનેર છગનભાઇએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાની રાપર નગરપાલિકા વિસ્તારમાં લોકો જ્યારે નર્મદાની કેનાલ ચાલુ ન હોય અને કેનાલમાં તેમજ નગાસર તળાવમાં સંગ્રહિત પાણીનો જથ્થો પુર્ણ થયા બાદ પીવા માટે અને વાપરવા માટે પાણીની અછત સર્જાય છે, ત્યારે લોકોને ના છુટકે ખારા પાણી પીવા પડે છે.

વિકલ્પમાં નગરપાલિકા બીજા એક તળાવની સફાઇ કરી તેમાં પાણીનો સંગ્રહ કરવા આયોજન કરી રહી છે તે આવકાર્ય છે. રાપરથી એકદમ નજીક અને ઊંચાણવાળા ભાગમાં આવેલ કંધુકા ડેમમા નર્મદાના નીર ભરવાનું સામૂહિક રીતે રજુઆત કરી સુયોગ્ય આયોજન કરવું જોઈએ. રાપર સુધી નર્મદા કેનાલમાંથી પાણી લાવવા તત્કાલીન સ્વર્ગવાસી ધારાસભ્ય વાઘજીભાઈ, પાણી પુરવઠા વિભાગના ઇજનેર સોલંકી અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈએ કામગીરી હાથ ધરી અને વાગડના પાણીનો પ્રશ્ન ઉકેલવા ઝડપી કામગીરી કરાવી હતી.

સામખિયાળીથી જે રીતે પાણી આવતું હતું તેમાં એકજ અઠવાડીયામાં ધરખમ ફેરફાર કરાવી કામગીરી કરાવી હતી. વસ્તી વધારોના કારણે પાણીની માંગ વધતી જશે ત્યારે જો કાયમી ઉકેલ લાવવો હોય તો કંધુકા ડેમમા નર્મદાના નીર ભરવા આયોજન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ત્રણેક વર્ષ પહેલાં મને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન શ્રી જગુભા જાડેજાએ આ કંધુકા ડેમમા નર્મદાના નીર ભરવાથી સમસ્યા હલ થવાનું જણાવ્યું હતું. આ દિશામાં તંત્ર વિચારે અને પગલાં લે તો કાયમી ઉકેલ આવી જાય.

નીલપર પાસેના ડેમ નંબર 1 ને નર્મદાના નીરથી ભરવા રાપર ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંલગ્ન મંત્રી અને અધિકારીઓને રજુઆત કરતાં જણાવ્યુ કે તેમના મતવિસ્તાર હેઠળના રાપર તાલુકાના નીલપર ગામ મધ્યે આવેલ નીલપર ડેમ નંબર 1 વિશાળ પ્રમાણમાં ફેલાયેલો હોઈ જેના કારણે નર્મદાના પાણીનો સંગ્રહ વધુ પ્રમાણ થાય છે.

હાલના સમયમાં પાણીની તંગી સર્જાઈ રહી હોઈ માટે સત્વરે ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો રાપર શહેરના લોકોને ખુબજ ઉપયોગી નીવડી શકે તેમ છે. તેમજ જેમ ફતેહગઢ અને સુવઈ ડેમમાં અનામત પાણીનો જથ્થો રાખવામાં આવે છે તેવી જ રીતે નીલપર ડેમ નંબર 1 માં પાણીનો અનામત જથ્થો રાખવા તથા લોકોના હિતાર્થે ડેમને નર્મદાના નીરથી ભરવા ધારાસભ્યએ રાજય સરકાર સમક્ષ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...