વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ જુદા જુદા કારણોસર દુનિયામાં લગભગ ૪ અબજ લોકો સાંભળવાની ક્ષમતાથી પરેશાન છે.તેનું મુખ્ય કારણ કાનમાં રહેલી નાની મોટી સમસ્યા સામે આંખ આડા કાન કરવાની આદત અને જીવનશૈલી છે. જો સમયસર આ મુશ્કેલી પરત્વે ધ્યાન ના અપાય તો બહેરાપણું આવી જાય છે એમ ભુજની જી.કે. જન. અદાણી હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના તબીબો દ્વારા દર વર્ષે 3 માર્ચના રોજ ઉજવાતા વિશ્વ શ્રવણ દિવસ નિમિતે જણાવ્યું હતું.
કાન, નાક, ગળા વિભાગના હેડ અને ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણીએ કહ્યું હતું કે, રોગ કાનના મધ્યથી અંદરના ભાગમાં સર્જાતી તકલીફથી થાય છે. આ ઉપરાંત કેટલાયને વધતી વય અથવા તો કેટલાકને જન્મથી જ બહેરાશની સમસ્યા હોય છે. સાથે અવાજનું પ્રદુષણ,તીવ્ર અવાજ સાથે ગીતો સાંભળવા, નાકની એલર્જી,કાનમાં ગુંજ,કાનમાં દર્દ વિગેરે મુખ્ય હોય છે.
લક્ષણો અંગે ડો. હિરાણીએ કહ્યું કે,જો કોઈ વ્યક્તિ દૂરથી વાત કરે અને ન સંભળાય તો એ આ રોગનો પ્રથમ સંકેત છે. આ બાબતે ધ્યાન અપાય તો સ્થિતિ કાબૂમાં આવી શકે છે.જેના માટે શ્રવણયંત્ર ઘણું ઉપયોગી પુરવાર થાય છે.જ્યારે બીજી તરફ જન્મથી જ બાળકોમાં બહેરાપણાંની સમસ્યા હોય તો કોકલિયર ઇમ્પ્લાંટ સારવાર આપવામાં આવે છે.જી.કે.માં સમયાંતરે કેમ્પ કરવામાં આવે છે.
આ કારણોસર સાંભળવાની સમસ્યા થઇ શકે
હેડફોન-ઇયરફોન દ્વારા વધુ પડતા અવાજથી ગીતો સંભળાય તો કાનના પડદાને ક્ષતિ થાય છે. ઘણીવાર રૂસ્ટીકથી કાન સાફ કરાય તો ઈયરડ્રમને ભારે નુકસાન કરી છેદ કરી દે છે.એટલે કાનની સફાઈ પણ કાનના તબીબ પાસે જ કરાવવી જોઇએ. એ સિવાય ધૂમ્રપાનમાં રહેલું નિકોટીન કાનમાં લોહીના પરિભ્રમણ ઉપર અસર કરતું હોવાથી નુકસાન કારક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.