જિલ્લા આરોગ્ય વિભાગે નવો ફતવો બહાર પાડ્યો છે.જેમાં ફ્રન્ટલાઇન અને હેલ્થ કેર વર્કર કે જેઓ રસી લેવા માંગતા નથી તેઓ પાસે લેખિતમાં લખાણ લેવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેનાથી અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.જિલ્લામાં 30 હજાર જેટલા કર્મચારીઓએ ત્રીજો ડોઝ ન મુકાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ તાલુકાના આરોગ્ય અધિકારી અને પીએચસીના મેડિકલ ઓફિસરને ઉદેશીને બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું કે,કચ્છમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર સહિતના લાભાર્થીઓના રસીકરણની કામગીરી ચાલુમા છે, જે અંતર્ગત દરેક લાભાર્થી વહેલી તકે આવરી લેવાય તે ખૂબ જ અનિવાર્ય છે.
જેથી દરેક વય જુથના તમામ લાભાર્થીઓનો પ્રથમ ડોઝ, બીજો ડોઝ કે પ્રિકોશન ડોઝ સમયસર આપવામાં આવે તે હેતુસર હાલ હર ઘર દસ્તક 2.0 કાર્યક્રમમાં ઘરે ઘરે જઇને કોવિડ વેકસીનેશન સુનિશ્ચિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમ અંતર્ગત વેકસીનેટર દ્વારા જે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરના ઘરની મુલાકાત લેવામાં આવે અને જે-તે લાભાર્થી દ્વારા વેકસીન લેવા માટે ઇન્કાર કરવામાં આવે તો જે તે લાભાર્થી જે કોઇ કારણોસર વેકસીન લેવા માંગતા ન હોઇ તે અંગેનું પ્રમાણપત્ર વેકસીનેટર દ્વારા પોતાની અને લાભાર્થીની સહીવાળું મેળવી લેવા જણાવાયું છે.
જોકે, હેલ્થ કર્મચારીઓ હોસ્પિટલમાં અને ફ્રન્ટ લાઇન વર્કર સરકારી કચેરીઓમાં ફરજ પર હોય ત્યારે ઘરે કોઈ હશે જ નહીં. બીજું કર્મચારીઓ રસી લેવી કે ન લેવી તે મુદ્દે કોઈ જવાબ આપતા નથી જેથી લેખિતમાં કેવી રીતે આપશે ? તે પણ એક સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.