સ્મશાન એટલે એક અંતિમ સત્ય. દરેકનો આખરી પડાવ. આ વિષયને લઇને ફિલ્મ બનાવવી એ જ વિચાર માંગી લે, તેમાં પણ કોઈ મહિલા તેનું આખું આયખું મસાણમાં અગ્નિદાહ આપવાની વિધિ કે જે માત્ર અને માત્ર પુરુષ કરે છે તેમાં ખપાવી દે તે કથાને ફિલ્મમાં નિરૂપણ કરાયું છે ફિલ્મ ‘રાખ’માં. કચ્છના વિવિધ લોકેશન પર નિર્મિત અને કચ્છી કલાકારો દ્વારા અભિનીત આ ફિલ્મમાં નારી શક્તિને દર્શાવવામાં આવી છે. ફિલ્મનું મુખ્ય પાત્ર રામી પિતાના મૃત્યુ બાદ વૃદ્ધ થઈ ત્યાં સુધી માનવતાના કામને બખૂબી નિભાવી જીવન અન્ય માટે પ્રેરણાદાયી બનાવી સમાજમાં નારી શક્તિનો સંદેશ આપે છે.
ફિલ્મમાં અનેક એવા પ્રસંગોને વણી લીધા છે કે, જે આજના કહેવાતા ફોરવર્ડ સમયમાં પણ વિચાર કરતા કરી દે. મુખ્ય પાત્ર રામી તરીકે બે કલાકારો છે. બાળ કલાકાર તરીકે તનીષ્ઠા મતિયા, યુવતી અને વૃદ્ધા તરીકે કરિશ્મા ખોજા. આ ઉપરાંત રામીનાં પિતા ગોપાલ તરીકે સુરેશ બીજલાણી, પતિના પાત્રમાં હિતેશ પ્રજાપતિ. મુકેશ ઉમરાણીયા, જેનીલ મતિયા અને ધૈર્યા ગોર પણ આ ફિલ્મમાં અભિનય આપે છે.
પિયુષ પંડ્યા દિગ્દર્શિત બે કલાકની ગુજરાતી ફીચર ફિલ્મ રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા થઈ શકે તેવી કાળજી સાથે બનાવી છે તેવું જણાવતાં ઈવા ફિલ્મ પ્રોડક્શનના કચ્છી નિર્માતા ડિમ્પલ પ્રજાપતિ જણાવે છે કે, ફિલ્મનો વિષય આજની રિલીઝ થતી અન્ય ફિલ્મોથી હટકે છે. ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. અને ફિલ્મ આગામી ઓગષ્ટના થીયેટરમાં રિલિઝ થશે. સંગીત મુંબઈના સંગીતકાર મનીષ ભાનુશાલીએ આપ્યું છે. જાણીતા ગાયકોએ સ્વરબદ્ધ કરેલા ગીતો લોકોને ચોક્કસ પસંદ પડશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.