ભાસ્કર વિશેષ:છાપાની ચબરખી પર વીસ પૈસામાં પીરસવાની શરૂ થયેલી આઈસ્ક્રીમ આજે દોઢસો ફ્લેવર્સમાં મળે છે

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીમાં ઠંડક આપતી આઇસ્ક્રીમની ભુજમાં 200થી વધુ દુકાનો

ઉનાળો શરૂ થાય એટલે જઠરાગ્નિમાં ઠંડક આપવા વિવિધ પ્રકારની દોઢસોથી વધુ આઈસ્ક્રીમની વેરાયટીઓ ઉપલબ્ધ છે. એક સમય હતો કે, ભુજમાં આંગળીના વેઢે લેખાય એટલા જ આઈસ્ક્રીમ પાર્લર હતા. આજે એક અંદાજ મુજબ નાના મોટા બસ્સોથી વધુ દુકાનો છે તો પરપ્રાંતીય લોકો પણ પોતાની રોજીરોટી મેળવવા આ વ્યવસાય સાથે સંકળાઇ ગયા છે. એવી જ રીતે માટલા કુલ્ફી શેરી શેરીએ ફરીને ફેરિયા વેંચતા. આજે તેના પણ કારખાના ભુજ અને આસપાસના ગામડાઓમાં બની ગયા છે.

ભુજમાં સાત દાયકા અગાઉ વ્હોરા સમાજના કરીમભાઈ પટવાએ એક નાની દુકાનમાં ચા અને સોડા બાટલીની દુકાન ખોલી. ધીરે ધીરે હાથથી ચાલતા મશીન દ્વારા આઈસ્ક્રીમ બનાવી. તેના પુત્ર ફકરુદ્દીન જણાવે છે કે, આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી ત્યારે વેંચાણ ભાવ માત્ર વીસ પૈસા હતો. તે સમયે અખબારની નાની ચબરખીમાં ચમચી વડે આપતા.

આજે ભુજ શહેરમાં અને બહારના વિસ્તારમાં અનેક આઈસ્ક્રીમ પાર્લર થઈ જતા કોટની અંદર ગ્રાહકો આવતા ઓછા થયા છે. અલબત્ત પરંપરાગત હાથે બનાવેલી આઈસ્ક્રીમનો સ્વાદ માણવો હોય તો સાત દાયકા જૂની દુકાને આવવું જ પડે. તે સમયે માત્ર ગુલાબની આઈસ્ક્રીમ મળતી. આજે બેલ્ઝિયમ અને ઇટાલિયન ચોકલેટ સહિતની ફ્લેવર્સ મળે છે.

એટલું જ નહિ, વેપાર પણ લાખો રૂપિયાને આંબી જાય છે. ઠક્કર સમાજના બાબુભાઈ દામાણીએ પણ સાત દાયકા અગાઉ આઈસ્ક્રીમ બનાવી વેંચાણ પર હાથ અજમાવ્યો. ચાર દાયકા અગાઉ ભુજમાં એકમાત્ર જગ્યા હતી કે, જ્યાં કાચની રકાબીમાં ટુટીફૂટી આઈસ્ક્રીમ મળતી. આજે પણ આ સ્વાદ એવો જ છે. બાબુભાઈના પૌત્ર સંદીપ કહે છે કે, દિવસનો વીસથી પચ્ચીસ કિલો માલ બનાવીએ. દરરોજની તૈયાર થાય અને વેંચાઈ જાય. એક દિવસ પણ રહી જાય તો તેની મજા મરી જાય. માટે વેંચાય તેટલો જ માલ બનાવીએ છીએ. જો કે, કોટ બહાર ધરતીકંપ બાદ લોકો સ્થળાંતરિત થતા હવે લોકો ગામ બાજુ ઓછા વળે છે.

અન્ય સમાચારો પણ છે...