નખત્રાણા તાલુકાના મોટા અંગિયાના લકવાગ્રસ્ત અાધેડની અેક જ વાત 1 ડિસેમ્બરે ‘હું મતદાન કરીશ’. તેઓ લકવા સામે ઝઝૂમ્યા બાદ દરરોજ 10થી 15 કિ.મી. ચાલી સ્વસ્થ રહે છે અને લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. પેરાલિસિસ જેવા ઘાતક રોગ સામે લડનારા વ્યક્તિની એક જ વાત, મતદાન તો અચૂક કરીશ. પોતે લકવાગ્રસ્ત હોવા છતાં પણ દરેક ચૂંટણીઓમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરીને, અવશ્ય મત આપે છે. નખત્રાણા તાલુકાના મોટા અંગિયાના 50 વર્ષીય દેવા મમુભાઈ રબારી દસેક વર્ષ પહેલાં પેરાલીસીસ જેવા ઘાતક રોગથી ગ્રસ્ત બન્યા હતા.
સામાન્ય રીતે આ રોગનો ભોગ બનનારા પથારીવશ બની જાય છે પરંતુ તેઓએ મન મક્કમ અને મજબૂત રાખીને રોગ અા રોગ સામે લડી રહ્યા છે અને દૈનિક 10થી 15 કિલોમીટર ચાલીને શરીરને સ્વસ્થ રાખે છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો મોટામાં મોટો તહેવાર છે અને દરેક ભારતીય નાગરિકે પોતાને મળેલા મતદાનના અધિકારનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.
મત કોઈ પણ પક્ષ કે ઉમેદવાર ને આપો પરંતુ મતદાન તો કરવું જ જોઈએ. તેઅો પોતાના પરિવારના તમામ સભ્યોને પણ અચૂક મતદાન કરવાનો આગ્રહ રાખે છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પોતાનો પવિત્ર મત આપીને દેશના વિકાસમાં સહભાગી બનવાનો આ અવસર છે, જેમાં દરેક નાગરિકને અચૂક મતદાન કરવાની તેમણે અપીલ કરી હતી.
મતદાન ન કરવું લોકશાહી માટે નુકસાનકારક
દેવાભાઇઅે જણાવ્યું હતું કે, અમુક ભણેલા, ગણેલા અને શિક્ષિત વ્યક્તિઓ મતદાન કરવામાં નીરસ રહેતા હોય છે અને મતદાન કરવાનું ટાળતા હોય છે. કેટલાક ઘરે કે, ઓટલે બેસી ગપ્પા મારતા હોય છે, જે લોકશાહી માટે નુકસાનકારક છે. તેમણે દેશહિતમાં લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.