કાર્યવાહી:હોસ્પિ. રોડથી અપહૃત યુવકને રાજકોટ લઇ જવાયો : 2 ઝબ્બે

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયાની લેતીદેતીનું કારણ જવાબદાર
  • પકડાયેલા શખ્સોને આજે કોર્ટમાં રજૂ કરાશે

ગુરુવારે સાંજે હોસ્પિટલ રોડ પર અપહરણના બનાવને કારણે ભારે ચકચાર મચી હતી. અજાણ્યા ઈસમો દ્વારા શહેરના ભરચક વિસ્તારમાંથી 22 વર્ષીય શકીલને કિડનેપ કરી જવાયો હતો. જેના પગલે તેના મોટાભાઈ કાસમે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ એલસીબીએ બે આરોપીઓને રાજકોટથી પકડી લીધા હતા.

અપનાનગરમાં રહેતા શકીલ અબ્દુલ મજીદ લાંગાય શહેરના હોસ્પિટલ રોડ પર કાજલ ટી હાઉસ નજીક મિત્રો સાથે ઉભો હતો.તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં શકીલનું અપહરણ કરી પલાયન થઈ ગયા હતા.અપહરણના બનાવને પગલે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.બાતમીના આધારે આરોપીઓ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું.

જેના પગલે પડધરી પોલીસની મદદ લઈ રાજકોટ નજીક આવેલ માધાપર ચોકડી પહેલા રંગપર પમ્પીંગ સ્ટેશન પાસેથી શકીલને અપહરણના આરોપીઓ પાસેથી છોડાવ્યો હતો.બનાવને અંજામ આપવા ઉપયોગ કરાયેલ બ્લ્યુ કલરની સ્વિફ્ટ કાર GJ 03 ME 5026 સહિત અપહરણ કરનાર કુલ 5 આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી રાજકોટના બે આરોપી મનીષ ભીખુભાઈ ચૌહાણ અને વિક્રમસિંહ જોરૂભા રહેવરને દબોચી લેવાયા હતા.પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતી મુદ્દે અપહરણ કર્યાનું સામે આવ્યું હતું. બન્ને આરોપીઓને બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...