મુસાફરોની મજબૂરી:એસટી બસોના હાઇવે પરની ખાનગી હોટેલો પરના હોલ્ડથી યાત્રિકો પરેશાન, ગ્રાહકો પાસેથી વધુ ભાવ લેવાતો હોવાની રાવ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમ.આર.પી. રકમ કરતા વધુ રકમ લઈને મુસાફરોના ખિસ્સા ખંખેરી લેવામાં આવે છે - સ્થાનિક
  • નિયત બસ સ્ટોપ અંગે વડી કચેરીએથી ટેન્ડર પ્રક્રિયા કરાય છે, જ્યાં બસ ઉભી રહેતી હોય છે - સૂત્રો

ધોરીમાર્ગ પરની હોટલો પર એસ.ટી.બસો ઉભી રાખીને ગ્રાહકોને લૂંટવામાં આવે છે અને મુસાફરોની મજબૂરીનો લાભ, ખાનગી હોટલવાળા લેતા હોવાની રાવ ઉઠવા પામી છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ ડેટ ભુંસીને વેચવામાં આવતી ખાદ્ય સામગ્રી આરોગ્ય માટે જોખમી પણ છે. ઉપરાંત ધરાર એમ.આર.પી. રકમ કરતા વધુ રકમ લઈને મુસાફરોના ખિસ્સા ખંખેરી લેવામાં આવે છે તેવું વાંકુ ગામના કિશોર સિંહ જાડેજાએ જણાવ્યું છે.

તાજેતરમાં રાજકોટથી નલિયા તરફ આવતી એસ.ટી બસ રાત્રિના સમયે એક જાણીતી હોટલ પર થોભી હતી. જ્યાં આઈસ્ક્રીમ પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ તારીખને ભુંસી દેવામાં આવી હોવાનું જણાયું હતું. તે બાબતે પૃચ્છા કરતા, ઉપર થી જ આવો જથ્થો આવ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહિ સાથે સાથે આઈસ્ક્રીમ પર છપાયેલા એમ.આર.પી. રકમ કરતાં દસ રૂપિયા વધારે લેવામાં આવી રહ્યા હતા. તે બાબતે પૃચ્છા કરવામાં આવતાં, લેવું હોય તો લો, અહીં આ જ કિંમતે વસ્તુ વેચવામાં આવે છે અને ઉપરથી ટેન્ડર પાસ કરાવ્યું છે એટલે અમને પોસાય તે જ રકમ લેવામાં આવશે એવો જવાબ મળ્યો હતો.

જેથી મુસાફરોએ અનિચ્છાએ એમ.આર.પી. કરતા વધુ રકમ ચુકવીને આઈસ્ક્રીમની ખરીદી કરવી પડી હતી. આ બાબતે એસ.ટી. વિભાગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, નિયત બસ સ્ટોપ અંગે વડી કચેરીએથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે અને તે મુજબ નિયત કરાયેલા સ્થળોએ એસ.ટી. બસ હોટેલ પર સ્ટોપ કરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...