• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Holders Of Village Level Property Will Get Legal Documents In The Form Of Property Card, 112 Villages Of Bhuj Have Been Included In The Pilot Project.

ભાસ્કર એક્સક્લુઝિવ:ગામતળની મિલકતના ધારકોને મળશે પ્રોપર્ટીકાર્ડ રૂપે કાયદાકીય દસ્તાવેજ ,પાયલોટ પ્રોજેક્ટમાં ભુજના 112 ગામને સમાવાયા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામીત્વ યોજના અન્વયે ડ્રોન ટેકનોલોજીથી માપણી કરી, મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટસ આપવાનો નિર્ધાર
  • તાલુકાના 112 ગામોમાં ગ્રામસભાઓ યોજીને પ્રચાર-પ્રસાર : જુનના અંતમાં અથવા જુલાઇના પ્રારંભે થશે ડ્રોનથી માપણી
  • કચ્છ કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિ જિલ્લામાં કરશે મોનિટરીંગ
  • અત્યાર સુધી ગ્રામ્ય સ્તરે મિલકતનો એકમાત્ર આધાર આકારણી રજિસ્ટર

ગ્રામ્ય વિસ્તારમાં ગામતળ અને તેની આસપાસ આવેલી મિલકતોનો અત્યાર સુધી એકમાત્ર આકારણી રજિસ્ટર જ આધારભૂત પૂરાવો હતો. જો કે, હવે શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારમાં ગામતળ અને તેની આસપાસ આવેલી મિલકતોના પ્રોપર્ટીકાર્ડ બનશે.

ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી સ્વામીત્વ યોજના એટલે કે, સરવે ઓફ વીલેજીસ એન્ડ મેપીંગ વીજ ઇમ્પ્રોવીઝડ ટેકનોલોજી ઇન વીલેજ એરિયા હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટસ આપવાનો નિર્ધાર કેન્દ્ર અને રાજય સરકારે કર્યો છે.

આ યોજના થકી ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ રૂપે એક કાયદાકીય દસ્તાવેજ મળશે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં પ્રારંભિક તબક્કે જિલ્લા મથક વાળા તાલુકના અમુક ગામોની પસંદગી કરવામાં આવી છે, જે મુજબ પાઇલોટ પ્રોજેક્ટ અન્વયે ભુજ તાલુકાના 112 ગામોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકર્ડ એચ.એસ. રબારીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કે ભુજ તાલુકાના 112 ગામોમાં આ કામગીરી કરવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર સમગ્ર જિલ્લામાં કામગીરી શરૂ કરાશે.

કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનેલી રચાયેલી સમિતિ કામગીરીનું નિરીક્ષણ કરશે. આ કામગીરી, ડીઆઇએલઆર, મહેસૂલ વિભાગ, ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરેના સંયુક્ત ઉપક્રમે થશે. હાલે ભુજ તાલુકાના પસંદ કરાયેલા 112 ગામોમાં ગ્રામસભાઓ યોજીને પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

ત્રણ તબક્કામાં સરવે, વાંધા નિકાલ સહિતની કામગીરી આટોપવામાં આવશે
જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકર્ડ એચ.એસ. રબારીએ જણાવ્યું હતું કે, ત્રણ તબક્કામાં મિલકતની માપણી સહિતની કામગીરી કરાશે, જેમાં પ્રારંભિક તબક્કે ગ્રામસભા યોજી, ભીંતચિત્રો, ચોપાનિયા દ્વારા સંબંધિત ગામોમાં પ્રચાર-પ્રસાર કરાશે. ત્યારબાદ ગામમાં આકારણી રજિસ્ટર મુજબની મિલકત જેવી કે, ખાનગી મિલકતમાં મકાન, પ્લોટ, જમીન, ખુલ્લી જગ્યા, નાળા, તળાવો, સરકારી મિલકત, રસ્તા વગેરેના હદ, દિશા મુજબ ચુના માર્કિંગ કરાશે. બીજા તબક્કામાં સરકારની એજન્સી સરવે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન મારફતે માપણી કરાશે.

આ એજન્સીએ તૈયાર કરેલા ડ્રાફ્ટ નકશા જમીન દફતર કચેરી દ્વારા જિલ્લા દફતર ખાતાના અધિકારીને સોંપવામાં આવશે. આ નકશામાં સંબંધિત વિસ્તારની બધી જ મિલકતો, ખુલ્લા પ્લોટોનું નંબરીંગ કરવામાં આવશે અને કોઇ મિલકત માપણી કરવામાંથી બાકી રહી ગઇ છે કે કેમ તેની ખાતરી કરી, બાકી હોય તો જિલ્લા જમીન દફતર કચેરી દ્વારા માપણી કરવાની રહેશે. ત્યારબાદ જિલ્લા દફતર કચેરીના સર્વેયર, સિનિયર સર્વેયર દ્વારા ડ્રાફ્ટ નકશાનું ગ્રાઉન્ડ ટ્રુથિંગ સંબંધિત કામગીરી તલાટી કમમંત્રી, સરપંચની મદદથી ડોર-ટુ-ડોર સરવે કરી તેમાં જરૂરી સુધારા-વધારા કરાશે. ડોર-ટુ-ડોર સરવે દરમ્યાનની માહિતી મોબાઇલ એપમાં અપલોડ કરાશે.

જો ડ્રાફટ નકશામાં સુધારા જણાશે તો તે સરવે ઓફ ઇન્ડિયાને મોકલી અપાશે, જે આ એજન્સી સુધારીને પરત કરશે. ત્યારબાદ આ નકશા જિલ્લા જમીન દફતર ખાતાના અધિકારી જીઆઇએસમાં અપલોડ કરશે. તૃતીય તબક્કામાં હક્ક ચોક્કસી અધિકારી દ્વારા સંબંધિત ગામમાં અગાઉથી જાણ કરીને કેમ્પ યોજવામાં આવશે, જેમાં ગામતળ વિસ્તારમાં 100 ચો.વા., ઇન્દિરા આવાસ, સરદાર આવાસ કે અન્ય સક્ષમ અધિકારી દ્વારા ફાળવાયેલી જમીન, પ્લોટના હુકમો, પ્લાન તથા તે સંલગ્ન રેકર્ડ સહિતના પૂરાવા સંબંધિત મિલકત ધારકો પાસેથી મેળવવાના રહેશે. જે મિલકતમાં આકારણી રજિસ્ટર સિવાય કોઇ વધારાના પૂરાવા (જેવા કે, ઘરથારી જમીન, રાવળા હક્ક, રાજાનો લેખ, વાડા લેન્ડ વગેરે) રજૂ થયેલા ન હોય તેવા કિસ્સામાં ગાૈણ પૂરાવા તરીકે આકારણી રજિસ્ટર આધારે ઠરાવ કરવાનો રહેશે. હક્ક ચોક્કસી અધિકારીના ઠરાવની જાણ કરતી નોટિસ અથવા જાહેરાત બાદ હિત ધરાવતી વ્યક્તિ દિવસ 30માં વાંધા નોંધાવી શકશે.

માપણીની પ્રારંભિક કામગીરી માટે ભુજ તાલુકાના પસંદગી પામેલા 112 ગામો
​​​​​​​પ્રારંભિક તબક્કે ભુજ તાલુકાના પસંદ કરાયેલા 112 ગામોમાં ખાવડા, રતડિયા, કુરન, જુણાા, અંધાૈ, ધોરાવર, લુડિયા, ખારી, સોયલા, વ્યારા, વિંછિયા, સુમરાસર (જતવાળી), પાયરકા, કુવાથડા, ફુલરા ટીમ્બો, ગોડપર (ખાવડા), લોરિયા, કમાગુના, ત્રાયા ભખરી, નોતિયાર ભખરી, નોખાણિયા, કુનરિયા નાના અને મોટા, કોટાય, ફુલાય, બોલાડી, ઝીંકડી, પૈયા, સરસપર, રૂદ્રમાતાા, ટાંકણસર, વટાછડ, વિરઇ, વરનોરા નાના અને મોટા, ધ્રંગ, વંત્રા, ધરમપુર, જવાહરનગર, મોડસર, મોખાણા, હબાય, ચપરેડી, નાગોર, ત્રંબાૈ, રાયધણપર, ગળપાદર, કાળી તલાવડી, લાખોંદ, ત્રાયા, ગડા, ભુજોડી, કનૈયાબે, ઉમેદપર, ખેંગારપર, જદુરા, થરાવડા નાના અને મોટા, સણોસરા, સેડાતા, વડસર, સરલી, ગોડપર (સરલી), મેઘપર, કોટડા આથમણા, જાંબુડી, કોટડા ઉગમણા, વરલી, બંદરા નાના અને મોટા, ચકાર, વડઝર, ઝુમખા, ચુનડી, ગજોડ, ડગાળા, નાડાપા, મમુઆરા, ઉખડમોરા, વડવારા, પધ્ધર, રેલડી મોટી અને નાની, કંઢેરાઇ, વાવડી, વડવા, લેર, રેહા મોટા અને નાના, હાજાપર, હરૂડી, ચુબડક, મકનપર, ધોંસા, બાઉખા (સમાવાળો), નથ્થરકુઇ, રતિયા, કોડકી, મખણા, પીરવાળી, આણંદસર, કાનપર, ફોટડી, કલ્યાણપર, નાગિયારી, કુરબઇ, નાભોઇ, વાંઢાય, સામત્રા અને ભારાસરનો સમાવેશ થાય છે.

આવેલા વાંધાની તપાસ કરી સુનાવણી બાદ રેકર્ડ ઓફ રાઇટનું આખરી પ્રમોલગેશન
અરજદાર તરફથી આવેલી વાંધા અરજીની માહિતી સોફટવેરમાં દાખલ કરી, હક્ક ચોક્કસી અધિકારી રેકર્ડમાં દાખલ થયેલી તમામ એન્ટ્રીની તપાસ કરશે. જેની સામે કોઇ વાંધો ઉઠાવશે તો હક્ક ચોક્કસી અધિકારી સંક્ષિપ્ત ચકાસણી કરી નિર્ણય કરશે. ત્યારબાદ પ્રમોલગેશન અધિકારી રેકર્ડ ઓફ રાઇટસનું ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972ના નિયમ 105ની નોટિસ પ્રસિધ્ધ કરી રેકર્ડને જાહેરમાં મૂકી 30 દિવસમાં વાંધા રજૂ કરવા જણાવશે અને ત્યારબાદ આવેલા વાંધાનો નિકાલ કરી રેકર્ડનું પ્રમોલગેશન કરી, અમલમાં મૂકી, રેકર્ડ સીએસઆઇએસ (સિટી સરવે ઇન્ફોર્મેશન સિસ્ટમ)માં નિભાવણી માટે મૂકાશે.

પ્રોપર્ટીકાર્ડ લોન વગેરેમાં થશે અતિ ઉપયોગી
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગામતળમાં આવેલી મિલકતોના પ્રોપર્ટીકાર્ડ બન્યા બાદ લોકોને બેન્કમાંથી લોન લેવામાં સરળતા રહેશે. મિલકતને લગતા વિવાદો ઘટશે, મિલકતના અક્ષાંશ-રેખાંશ સાથેના નકશા પ્રાપ્ત થશે. પ્રોપર્ટી ટેક્સની આકારણીમાં સરળતા રહેશે. ઉપરાંત વેચાણ, વારસાઇ વગેરેની પ્રક્રિયા પણ સરળ બનશે. ગામના રસ્તા, ગ્રામપંચાયતની ખુલ્લી જગ્યા, નાળા, સરોવર વગેરેની હદ નક્કી થશે.

ભુજમાં અત્યાર સુધી બનેલા પ્રોપર્ટીકાર્ડ : ભાડામાં ઉપલબ્ધ રેકર્ડના આધારે પડાતી નોંધ
સિટી સરવે કચેરી દ્વારા ભુજમાં પણ મિલકતના પ્રોપર્ટીકાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી શહેરના પ્રમુખસ્વામીનગરમાં 1200 જેટલા, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટમાં 785 પ્રોપર્ટીકાર્ડ બની ગયા છે અને હવે રાવલવાડી રિલોકેશન સાઇટમાં 1901 પ્રોપર્ટીકાર્ડ બનાવવાની કામગીરી ચાલુ છે, જે અઠવાડિયામાં પૂર્ણ કરી દેવાશે.

હાલે ભાડાના હુકમના આધારે નોંધો પાડવામાં આવી રહી છે. જે મિલકતના પ્રોપર્ટીકાર્ડ બની ગયા છે તે મિલકત હવે લે-વેચથી તબદિલ થશે તો પ્રમાણિત દસ્તાવેજ રજૂ કરવાથી સિટી સરવેમાં નોંધ પાડવામાં આવશે એમ શિરસ્તેદાર અને સિનિયર સર્વેયર વી.કે. પટેલે જણાવ્યું હતું.

સિનિયર સર્વેયરોને કલસ્ટરવાર ગામોની ફાળવણી
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભુજ તાલુકાના સમાવાયેલા 112 ગામોમાં કામગીરી કરવા માટે જિલ્લા જમીન મોજણી કચેરીના સિનિયર સર્વેયરો બ્રહ્મભટ્ટ, પરમાર સહિત અન્ય સિનિયર સર્વેયરોને કલસ્ટરવાર 20 ગામોની ફાળવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...